સ્કીપ ટુ કન્ટેન્ટ

યહોવાના સાક્ષીઓ શા માટે લોહી લેતા નથી?

યહોવાના સાક્ષીઓ શા માટે લોહી લેતા નથી?

સામાન્ય ગેરસમજ

માન્યતા: યહોવાના સાક્ષીઓ દવાઓ કે સારવાર લેવામાં માનતા નથી.

હકીકત: અમે પોતાના માટે અને અમારા કુટુંબ માટે સૌથી સારી સારવાર પસંદ કરીએ છીએ. સારવાર માટે અમે એવા ડૉક્ટર પાસે જઈએ છીએ, જે લોહી વગર સારવાર આપતા હોય કે ઑપરેશન કરવાની આવડત ધરાવતા હોય. તબીબી ક્ષેત્રમાં થયેલી પ્રગતિની અમે કદર કરીએ છીએ. હકીકતમાં, યહોવાના સાક્ષીઓને મદદ કરવા માટે લોહી વગરની સારવારની શરૂઆત થઈ, જેનાથી હવે બીજા બધા લોકોને પણ લાભ થાય છે. એટલે ઘણા દેશોમાં, હવે કોઈ પણ દર્દી લોહી લેવાનાં જોખમો ટાળી શકે છે, જેમ કે લોહીથી થતા રોગો, રોગપ્રતિકારક શક્તિ પર આડઅસર અને માનવસર્જિત ભૂલો.

માન્યતા: યહોવાના સાક્ષીઓ માને છે કે ફક્ત શ્રદ્ધા કે પ્રાર્થનાથી બીમારી મટી જશે.

હકીકત: ફક્ત શ્રદ્ધા કે પ્રાર્થનાથી સાજાપણું મળે છે એવું અમે માનતા નથી.

માન્યતા: લોહી વગરની સારવાર ઘણી મોંઘી હોય છે.

હકીકત: લોહી વગરની સારવાર તો ઓછી ખર્ચાળ હોય છે. a

માન્યતા: લોહી ન લેવાને કારણે દર વર્ષે ઘણા યહોવાના સાક્ષીઓ મરણ પામે છે, એમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.

હકીકત: આ માન્યતા કોઈ આધાર વગરની છે. ડૉક્ટરો નિયમિત રીતે લોહી વગરના મોટા ઑપરેશન કરે છે, જેમ કે હૃદયનું ઑપરેશન, હાડકાની સર્જરી અને અંગોનું પ્રત્યારોપણ. b જે દર્દીઓને લોહી વગરની સારવાર આપવામાં આવે છે, તેઓ લોહી ચઢાવેલા દર્દીઓ કરતાં વધારે સારી રીતે સાજા થાય છે; બાળકોના કિસ્સામાં પણ એ સાચું છે. c કોઈ પણ સંજોગોમાં, કોઈ ખાતરીથી કહી નથી શકતું કે લોહી ન લેવાને લીધે દર્દી મરણ પામશે કે લોહી લેવાને લીધે બચી જશે.

યહોવાના સાક્ષીઓ શા માટે લોહી આપતા નથી કે લેતા નથી?

યહોવાના સાક્ષીઓ માટે આ તબીબી નહિ, પણ એક ધાર્મિક માન્યતા છે. નવો અને જૂનો કરાર લોહીથી દૂર રહેવાની સ્પષ્ટ આજ્ઞા આપે છે. (ઉત્પત્તિ ૯:૪; લેવીય ૧૭:૧૦; પુનર્નિયમ ૧૨:૨૩; પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯) વધુમાં, ઈશ્વરની નજરમાં લોહી એ જીવનને રજૂ કરે છે. (લેવીય ૧૭:૧૪) અમે લોહી આપતા કે લેતા નથી, કેમ કે અમે ઈશ્વરને આધીન રહેવા માંગીએ છીએ અને તેમને જીવનદાતા તરીકે આદર આપવા માંગીએ છીએ.

બદલાતા વિચારો

મોટાં ઑપરેશનો લોહી વગર સફળતાથી કરી શકાય છે

એક સમયે, તબીબી ક્ષેત્ર લોહી વગરની સારવારને ખતરનાક ગણતા હતા; એવું માનવામાં આવતું કે એ સારવાર પસંદ કરવી એટલે કે જાણે આત્મહત્યા કરવી. પણ, હાલનાં વર્ષોમાં એ દૃષ્ટિકોણ બદલાયો છે. દાખલા તરીકે, ૨૦૦૪માં મેડિકલ શિક્ષણના એક જર્નલમાં લખવામાં આવ્યું, ‘યહોવાના સાક્ષીઓ માટે વિકસાવવામાં આવેલી સારવારની ઘણી રીતો આવતાં અમુક વર્ષોમાં બધા માટે વપરાવા લાગશે.’ d ૨૦૧૦માં, હાર્ટ, લંગ એન્ડ સરક્યુલેશન નામના જર્નલે કહ્યું, ‘“લોહી વગરની સારવાર” ડૉક્ટરે ફક્ત યહોવાના સાક્ષીઓ માટે જ નહિ, પણ બધા માટે વાપરવી જોઈએ.’

દુનિયા ફરતે હજારો ડૉક્ટરો મોટાં ઑપરેશનો લોહી વગર કરે છે. એ માટે તેઓ એવી રીતો વાપરે છે, જેથી ઑપરેશન દરમિયાન વધારે લોહી વહી ન જાય. વિકસી રહેલા દેશોમાં પણ લોહી વગરની સારવાર માટે એવી રીતો વાપરવામાં આવે છે અને યહોવાના સાક્ષીઓ સિવાય બીજાઓ પણ એવી સારવાર લેવાનું પસંદ કરે છે.

a ટ્રાન્સફ્યુઝન એન્ડ એફેરેસીસ સાયન્સ, વોલ્યુમ ૩૩, નં. ૩, પાન ૩૪૯ જુઓ.

b ધ જર્નલ ઑફ થોરેસિક એન્ડ કાર્ડિયોવાસ્ક્યુલર સર્જરી, વોલ્યુમ ૧૩૪, નં. ૨, પાન ૨૮૭-૨૮૮; ટૅક્સસ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ જર્નલ, વોલ્યુમ ૩૮, નં. ૫, પાન ૫૬૩; બેસીક્સ ઑફ બ્લડ મેનેજમેન્ટ, પાન ૨; કન્ટીન્યુઇગ એજ્યુકેશન ઈન એનેસ્થેસિયા, ક્રિટીકલ કેર એન્ડ પેઇન, વોલ્યુમ ૪, નં. ૨, પાન ૩૯ જુઓ.

c ધ જર્નલ ઑફ થોરેસિક એન્ડ કાર્ડિયોવાસ્ક્યુલર સર્જરી, વોલ્યુમ ૮૯, નં. ૬, પાન ૯૧૮; હાર્ટ, લંગ એન્ડ સરક્યુલેશન, વોલ્યુમ ૧૯, પાન ૬૫૮ જુઓ.

d કન્ટીન્યુઇગ એજ્યુકેશન ઈન એનેસ્થેસિયા, ક્રિટીકલ કેર એન્ડ પેઇન, વોલ્યુમ ૪, નં. ૨, પાન ૩૯ જુઓ.