સ્કીપ ટુ કન્ટેન્ટ

હું યહોવાનો સાક્ષી કઈ રીતે બની શકું?

હું યહોવાનો સાક્ષી કઈ રીતે બની શકું?

યહોવાના સાક્ષી બનવા માટેની જરૂરિયાતો વિશે ઈસુએ જણાવ્યું હતું, જે માથ્થી ૨૮:૧૯, ૨૦માં જોવા મળે છે. એ કલમોમાં જણાવ્યું છે કે ખ્રિસ્તના શિષ્ય બનવા વ્યક્તિએ શું કરવાની જરૂર છે. એમાં યહોવા વિશે બોલવાનો અને તેમના વિશે સાક્ષી આપવાનો સમાવેશ થાય છે.

પગલું ૧: બાઇબલ શીખવે છે, એ શીખો. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, ‘શિષ્યો બનાવો અને તેમને શીખવો.’ (માથ્થી ૨૮:૧૯, ૨૦) “શિષ્ય” શબ્દનો અર્થ થાય કે, “શીખનાર.” બાઇબલમાં આપેલી માહિતી, એમાં પણ ખાસ કરીને ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ મેળવવાથી તમને જીવનમાં ખુશી અને આનંદ મળે છે. (૨ તિમોથી ૩:૧૬, ૧૭) બાઇબલનું શિક્ષણ શીખવવા માટે અમે બાઇબલ અભ્યાસ ચલાવીએ છીએ, જે વિના મૂલ્યે હોય છે. તમને એ શિક્ષણ આપતા અમને ખુશી થશે.—માથ્થી ૧૦:૭, ૮; ૧ થેસ્સાલોનિકીઓ ૨:૧૩.

પગલું ૨: તમે જે શીખો છો, એ પાળો. ઈસુએ કહ્યું, જેઓ શીખે છે, તેઓએ ‘જે આજ્ઞાઓ આપી છે, એ સર્વ પાળવી જોઈએ.’ (માથ્થી ૨૮:૨૦) એનો મતલબ કે, બાઇબલ અભ્યાસનો હેતુ ફક્ત જ્ઞાન મેળવવાનો ન હોવો જોઈએ, પણ તમારાં વાણી-વર્તનમાં પણ ફેરફાર કરવા તમારે તૈયાર હોવું જોઈએ. (પ્રેરિતોનાં કાર્યો ૧૦:૪૨; એફેસીઓ ૪:૨૨-૨૯, હિબ્રૂઓ ૧૦:૨૪, ૨૫) જેઓ ઈસુની આજ્ઞા વિશે જાણકારી મેળવે છે, તેઓ પોતાની જાતે નક્કી કરે છે કે તેઓ ઈશ્વર યહોવાને પોતાના જીવનનું સમર્પણ કરશે.—માથ્થી ૧૬:૨૪.

પગલું ૩: બાપ્તિસ્મા લો. (માથ્થી ૨૮:૧૯) બાઇબલમાં, બાપ્તિસ્માની સરખામણી દફનવિધિ સાથે કરવામાં આવી છે. (રોમનો ૬:૨-૪ સરખાવો.) એ તો જાણે જીવનનાં પાછલાં કાર્યોને દફનાવીને નવી શરૂઆત કરવા જેવું છે. આમ, ઈસુએ જણાવેલા પ્રથમ બે પગલાં પ્રમાણે કર્યા પછી અને ઈશ્વર પાસે શુદ્ધ અંતઃકરણ માંગ્યા પછી, લોકોને સાબિતી મળે એ માટે તમારે બાપ્તિસ્મા લેવું જોઈએ.—હિબ્રૂઓ ૯:૧૪; ૧ પીતર ૩:૨૧.

મને કઈ રીતે ખબર પડે કે હું બાપ્તિસ્મા લેવા તૈયાર છું કે નહિ?

મંડળના વડીલો સાથે વાત કરો. તેઓ તમારી સાથે વાત કરીને ખાતરી કરશે કે, એ વિશે તમે બરાબર સમજો છો અને શીખેલી વાતો પાળો છો અને તમારી મરજીથી તમે ઈશ્વર આગળ પોતાનું સમર્પણ કર્યું છે.—પ્રેરિતોનાં કાર્યો ૨૦:૨૮; ૧ પીતર ૫:૧-૩.

શું આ પગલાં યહોવાના સાક્ષીઓનાં બાળકોને પણ લાગુ પડે છે?

હા. અમે અમારાં બાળકોને “યહોવા ચાહે છે તેમ તેઓને શિસ્ત અને શિખામણ” આપીને ઉછેરીએ છીએ. (એફેસીઓ ૬:૪) તેઓ મોટાં થાય, તેમ તેઓએ પોતે બાઇબલ શિક્ષણ શીખવાનું, એને સ્વીકારવાનું અને એને લાગુ પાડવાનું નક્કી કરવાનું હોય છે. પછી, તેઓ બાપ્તિસ્મા માટે લાયક ગણાય છે. (રોમનો ૧૨:૨) છેવટે, બાપ્તિસ્મા વિશે દરેક વ્યક્તિએ પોતે નિર્ણય લેવાનો હોય છે.—રોમનો ૧૪:૧૨; ગલાતીઓ ૬:૫.