સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ દસ

સાચી ભક્તિ માટે તેમણે લડત આપી

સાચી ભક્તિ માટે તેમણે લડત આપી

૧, ૨. (ક) એલિયાના લોકોની હાલત કેવી હતી? (ખ) કાર્મેલ પર્વત પર એલિયાએ કેવા વિરોધનો સામનો કર્યો?

એલિયા કાર્મેલ પર્વત પરથી નીચે નજર નાખે છે ત્યારે, લોકો ધીમે ધીમે ઉપર ચઢતા જોવા મળે છે. વહેલી સવારના ઝાંખા પ્રકાશમાં પણ એ સાફ દેખાય છે કે ગરીબીએ આ લોકોના કેવા બૂરા હાલ કર્યા છે. સાડા ત્રણ વર્ષથી ચાલતા કારમા દુકાળે તબાહી મચાવી દીધી છે.

પર્વત ચઢી રહેલા લોકોમાં બઆલના ૪૫૦ પ્રબોધકો પણ છે. તેઓના ચહેરા પર ઘમંડ છલકાઈ રહ્યો છે. યહોવાના પ્રબોધક એલિયા પ્રત્યે તેઓને સખત નફરત છે. ઇઝેબેલ રાણીએ યહોવાના ઘણા ભક્તોને મોતને ઘાટ ઉતારી દીધા છે. તોપણ, બઆલની ઉપાસના સામે એલિયા કટ્ટર વિરોધી તરીકે ઊભા છે. પણ ક્યાં સુધી? બઆલના પૂજારીઓએ વિચાર્યું હશે કે આ એકલો પ્રબોધક તેઓ સામે કેટલું ટકવાનો? (૧ રાજા. ૧૮:૪, ૧૯, ૨૦) રાજા આહાબ પણ પોતાના શાહી રથમાં આવ્યો છે. તેને પણ એલિયા આંખમાં કણાની જેમ ખૂંચે છે.

૩, ૪. (ક) એ યાદગાર દિવસની શરૂઆત થઈ તેમ એલિયાને કેમ થોડો ડર લાગ્યો હશે? (ખ) આપણે કયા સવાલોનો વિચાર કરીશું?

એલિયાની જિંદગીનો આ સૌથી યાદગાર દિવસ પુરવાર થવાનો છે. તે જોઈ શકે છે કે ભલાઈ અને બૂરાઈ, સાચ અને જૂઠ એકબીજા સામે ટકરાવાની તૈયારીમાં છે. આવી જોરદાર લડાઈ એ લોકોએ પહેલાં કદી જોઈ નથી. દિવસની શરૂઆત થઈ એમ એલિયાને કેવું લાગ્યું? “એલિયા આપણા જેવા જ માણસ હતા,” એટલે એવું નથી કે તેમને ડર નહિ લાગ્યો હોય. (યાકૂબ ૫:૧૭ વાંચો.) પણ, આપણને આ વાતની તો ખાતરી છે: શ્રદ્ધા વગરના લોકો, ઈશ્વરનો વિરોધી રાજા અને ખૂની પૂજારીઓ વચ્ચે ઘેરાયેલા એલિયાને ચોક્કસ લાગ્યું હશે કે પોતે એકલા પડી ગયા છે.—૧ રાજા. ૧૮:૨૨.

પરંતુ, એવું તો શું થયું કે ઇઝરાયેલ આવા કપરા સંજોગોમાં આવી પડ્યું? આ બનાવ વિશે આજે આપણે કેમ વિચાર કરીએ છીએ? ચાલો એલિયાની શ્રદ્ધાનો વિચાર કરીએ અને જોઈએ કે તેમનો દાખલો આજે આપણા સમય સાથે કેટલો બંધબેસે છે.

લાંબા સમયથી ચાલતી લડત ઉગ્ર બને છે

૫, ૬. (ક) ઇઝરાયેલમાં કઈ લડત ચાલતી હતી? (ખ) આહાબ રાજાએ કઈ રીતે યહોવાનું ઘોર અપમાન કર્યું હતું?

એલિયા વર્ષોથી જોઈ રહ્યા હતા કે સાચી ભક્તિની કોઈને પડી નથી અને લોકો પર જુલમ થઈ રહ્યો છે. પણ, એલિયા પાસે લાચાર બનીને એ જોવા સિવાય કોઈ ઉપાય ન હતો. ઇઝરાયેલમાં લાંબા સમયથી એક લડત ચાલતી હતી; પવિત્ર અને જૂઠા ધર્મ વચ્ચેની, યહોવા ઈશ્વર અને આસપાસના દેશોની મૂર્તિપૂજા વચ્ચેની લડત. એલિયાના સમયમાં એ લડતે હજુ વધારે ભયાનક રૂપ લીધું હતું.

આહાબ રાજાએ યહોવાનું ઘોર અપમાન કર્યું હતું. તેણે સિદોનના રાજાની દીકરી, ઇઝેબેલ સાથે લગ્ન કર્યા હતા. ઇઝરાયેલમાં ઇઝેબેલ બઆલની ભક્તિ ફેલાવીને યહોવાની ભક્તિનું નામોનિશાન મિટાવી દેવા રાત-દિવસ એક કરી રહી હતી. આહાબ તો જોરુનો ગુલામ હતો. તેણે બઆલનું મંદિર અને વેદી બાંધ્યાં. તેણે આ જૂઠા દેવની આગળ નમન કરીને તેની ભક્તિ કરવામાં આગેવાની લીધી હતી.—૧ રાજા. ૧૬:૩૦-૩૩.

૭. (ક) બઆલની ઉપાસના કેમ એટલી ઘૃણાજનક હતી? (ખ) એલિયાના સમયમાં દુકાળ કેટલો લાંબો હતો, એ વિશે બાઇબલમાં કોઈ વિરોધાભાસ નથી એવી આપણને કેમ ખાતરી છે? ( બૉક્સ જુઓ.)

બઆલની ઉપાસના કેમ એટલી ઘૃણાજનક હતી? એણે ઘણા ઇઝરાયેલીઓને ભોળવી-લલચાવીને સાચા ઈશ્વરથી દૂર કરી દીધા હતા. એ ધિક્કારપાત્ર અને નિર્દયી ધર્મ હતો. બઆલના મંદિરમાં સ્ત્રી-પુરુષોમાં વેશ્યાગીરી સામાન્ય હતી, વ્યભિચારે માઝા મૂકી હતી, અરે બાળકોનાં બલિદાનો પણ ચડાવવામાં આવતાં. એટલે, યહોવાએ એલિયાને આહાબ પાસે મોકલ્યા; તેમણે આહાબને જણાવ્યું કે એવો દુકાળ પડશે, જેનો અંત ઈશ્વરના પ્રબોધક એલિયાના કહેવાથી જ આવશે. (૧ રાજા. ૧૭:૧) એ વાતને અમુક વર્ષો વીતી ગયાં પછી, એલિયા ફરીથી આહાબને મળવા આવ્યા; તેમણે રાજાને જણાવ્યું કે લોકોને અને બઆલના પ્રબોધકોને કાર્મેલ પર્વત પર ભેગા કરે. *

એક રીતે જોઈએ તો, બઆલની ભક્તિ આજે ફરીથી ફૂલીફાલી રહી છે

૮. બઆલની ભક્તિના અહેવાલનો આજે આપણા માટે શો અર્થ થાય?

એ લડતનો આજે આપણા માટે શો અર્થ થાય? આજે આપણી આસપાસ બઆલનાં મંદિરો અને વેદીઓ ન હોવાથી, અમુકને કદાચ લાગે કે બઆલની ભક્તિ વિશેના એ અહેવાલને આપણી સાથે કંઈ લાગતું-વળગતું નથી. પરંતુ, એ ફક્ત પુરાણો ઇતિહાસ નથી. (રોમ. ૧૫:૪) “બઆલ” શબ્દનો અર્થ થાય, “શેઠ” કે “માલિક.” યહોવાએ પોતાના લોકોને જણાવ્યું હતું કે તેઓ તેમને જ પોતાના “બઆલ” કે પતિ જેવા માલિક ગણે. (યશા. ૫૪:૫) શું એ ખરું નથી કે લોકો સર્વશક્તિમાન ઈશ્વરને બદલે બીજા અનેક માલિકોની સેવા કરે છે? આજે લોકો યહોવાની ભક્તિ કરવાને બદલે, પોતાનું જીવન પૈસા કે નામના મેળવવામાં, મોજશોખ અને જાતીય મજા માણવામાં કે પછી અગણિત દેવ-દેવીઓને ભજવામાં વિતાવે છે. આમ, તેઓ પોતાના માલિકની પસંદગી કરે છે. (માથ. ૬:૨૪; રોમનો ૬:૧૬ વાંચો.) બીજા શબ્દોમાં, બઆલની ભક્તિ આજે ફરીથી ફૂલીફાલી રહી છે. યહોવા ઈશ્વર અને બઆલ વચ્ચેની એ લડતનો વિચાર કરવાથી, આપણને એ વિશે ખરો નિર્ણય લેવા મદદ મળશે કે આપણે કોની ભક્તિ કરીશું.

“ઢચુપચુ”—કઈ રીતે?

૯. (ક) કાર્મેલ પર્વત કેમ બઆલને ખુલ્લો પાડવાની એકદમ યોગ્ય જગ્યા હતી? (ફૂટનોટ પણ જુઓ.) (ખ) એલિયાએ લોકોને શું કહ્યું?

કાર્મેલ પર્વતની ઊંચાઈ પરથી દૂર દૂર સુધી જોઈ શકાતું હતું. ધસમસતી કીશોન નદીની ખીણથી મોટા સમુદ્ર (ભૂમધ્ય સમુદ્ર) સુધી નજર પહોંચતી હતી. અરે, દૂર ઉત્તરે લબાનોનના પર્વતો પણ દેખાતા હતા. * પરંતુ, આ રોમાંચક દિવસની વહેલી સવારે વાતાવરણ ગમગીન હતું. યહોવાએ ઈબ્રાહીમના સંતાનોને આપેલી એક વખતની હરી-ભરી ધરતી પર જાણે મોતનાં કાળાં વાદળ ઘેરાયેલાં હતાં. ઈશ્વરના પોતાના લોકોના દોષને લીધે હવે એ ધરતી જુલમી સૂર્યથી તપી-તપીને પથ્થર જેવી કઠણ થઈ ગઈ હતી! લોકો ત્યાં ભેગા થયા તેમ, એલિયાએ તેઓ પાસે આવીને કહ્યું: ‘તમે ક્યાં સુધી બે મતની વચ્ચે ઢચુપચુ રહેશો? જો યહોવા ઈશ્વર હોય, તો તેમને અનુસરો; પણ જો બઆલ ઈશ્વર હોય, તો તેને અનુસરો.’—૧ રાજા. ૧૮:૨૧.

૧૦. એલિયાના લોકો કઈ રીતે “બે મતની વચ્ચે ઢચુપચુ” હતા? તેઓ કયું સીધુંસાદું સત્ય ભૂલી ગયા?

૧૦ “બે મતની વચ્ચે ઢચુપચુ” શબ્દોથી એલિયા શું કહેવા માંગતા હતા? લોકો સમજતા ન હતા કે તેઓએ યહોવાની ભક્તિ અને બઆલની ભક્તિમાંથી પસંદગી કરવાની છે. તેઓને લાગતું કે બંનેની ભક્તિ કરવામાં કોઈ વાંધો નથી. તેઓ બઆલને ખુશ કરવા ધિક્કારપાત્ર વિધિઓ કરતા અને પછી યહોવા ઈશ્વર પાસેથી આશીર્વાદ પણ માંગતા! કદાચ તેઓને થતું કે બઆલ તેઓની ખેતીવાડી અને ઢોરઢાંકને આશીર્વાદ આપશે; જ્યારે કે ‘સૈન્યોના યહોવા’ તેઓને યુદ્ધોમાં રક્ષણ આપશે. (૧ શમૂ. ૧૭:૪૫) તેઓ સીધુંસાદું સત્ય ભૂલી ગયા, જેને આજે પણ ઘણા લોકો નજરઅંદાજ કરે છે. યહોવા કોઈને પણ પોતાની ભક્તિના ભાગીદાર નથી બનાવતા. લોકો ફક્ત તેમની જ ભક્તિ કરે, એવું તે ચાહે છે અને તે એને યોગ્ય પણ છે. યહોવા પોતાની ભક્તિની સાથે કોઈ પણ પ્રકારની મિલાવટ ચલાવી લેતા નથી, અરે, એનાથી તો તેમનું અપમાન થાય છે!—નિર્ગમન ૨૦:૫ વાંચો.

૧૧. એલિયાએ પર્વત પર જે જણાવ્યું, એનાથી આપણને શું પારખવા મદદ મળે છે?

૧૧ તેથી, જેમ કોઈ માણસ એકસાથે બે રસ્તા પર ચાલવાની કોશિશ કરે, એમ ઇઝરાયેલીઓ “ઢચુપચુ” હતા. આજે પણ ઘણા લોકો એવી જ ભૂલ કરે છે. તેઓ બીજા “બઆલોને” જીવનમાં લાવીને, ઈશ્વરની ભક્તિને એક બાજુ હડસેલી દે છે. ઢચુપચુ રહેવા વિશે એલિયાની ચેતવણી કેટલી સમયસરની છે! એને ધ્યાન આપીશું તો, એ પારખવા મદદ મળશે કે જીવનમાં મહત્ત્વનું શું છે અને આપણે કઈ રીતે ભક્તિ કરીએ છીએ.

કોણ સાચું? યહોવા કે બઆલ?

૧૨, ૧૩. (ક) એલિયાએ કઈ કસોટી કરવાનું જણાવ્યું? (ખ) કઈ રીતે બતાવી શકીએ કે આપણને એલિયા જેવી જ શ્રદ્ધા છે?

૧૨ પછી, એલિયાએ એક કસોટી કરવા જણાવ્યું. એ સીધીસાદી કસોટી હતી. બઆલના પૂજારીઓ વેદી બનાવીને એના પર બલિદાન ચડાવે; પછી, તેઓ પોતાના દેવને પ્રાર્થના કરે કે તે અગ્નિ પ્રગટાવે. એલિયા પણ એમ કરે. તેમણે કહ્યું કે “જે ઈશ્વર અગ્નિ દ્વારા ઉત્તર આપે તેને જ ઈશ્વર માનવો.” એલિયાને ખબર હતી કે સાચા ઈશ્વર કોણ છે. તેમની શ્રદ્ધા એટલી અડગ હતી કે તેમણે વિરોધ પક્ષને દરેક રીતે ફાયદો લેવા દીધો. તેમણે બઆલના પ્રબોધકોને પહેલા મોકો આપ્યો. તેઓએ બલિદાન માટે બળદ પસંદ કર્યો અને બઆલને ચડાવ્યો. *૧ રાજા. ૧૮:૨૪, ૨૫.

૧૩ ખરું કે આજે પહેલાં જેવા ચમત્કારો થતા નથી. પણ, યહોવા બદલાયા નથી. આપણે તેમનામાં એલિયા જેવી જ શ્રદ્ધા રાખી શકીએ. દાખલા તરીકે, બાઇબલ જે શીખવે છે, એની સાથે બીજાઓ સહમત ન થાય ત્યારે, તેઓને જે કહેવું હોય એ કહેવા દઈએ, ગભરાઈએ નહિ. એલિયાની જેમ આપણે જવાબ માટે સાચા ઈશ્વર તરફ મીટ માંડીએ. એ માટે આપણે પોતાના પર નહિ, પણ ઈશ્વરના વચન, બાઇબલ પર ભરોસો રાખીએ, જે બાબતોને “સુધારવા” આપવામાં આવ્યું છે.—૨ તિમો. ૩:૧૬.

એલિયા જાણતા હતા કે બઆલની ભક્તિ નરી બનાવટ જ છે, લોકોને ઊંઠાં ભણાવવાંની વાત છે; એ હકીકત ઈશ્વરના લોકો નજરે જુએ, એવું એલિયા ચાહતા હતા

૧૪. એલિયાએ બઆલના પ્રબોધકોની કઈ રીતે મશ્કરી કરી અને શા માટે?

૧૪ બઆલના પ્રબોધકો વેદી પર બલિદાન મૂકીને પોતાના દેવને પોકારવા લાગ્યા: “હે બઆલ, અમને ઉત્તર આપ.” મિનિટો અને કલાકો પસાર થયા તેમ, તેઓ બૂમો પાડતા રહ્યા. બાઇબલ કહે છે: “પણ કંઈ વાણી થઈ નહિ, ને ઉત્તર આપનાર કોઈ ન હતો.” બપોર થતા એલિયા તેઓની મશ્કરી કરવા લાગ્યા. તેમણે મહેણાં મારતાં કહ્યું કે બઆલ બહુ કામમાં છે, એટલે તેઓને જવાબ આપતો નથી. અથવા પેટ સાફ કરવા તે એકાંતમાં ગયો હશે. અથવા તે ઊંઘતો હશે અને કોઈએ તેને જગાડવો પડશે. એલિયાએ એ ઢોંગીઓને કહ્યું, “મોટેથી પોકારો.” એલિયા જાણતા હતા કે બઆલની ભક્તિ નરી બનાવટ છે, લોકોને ઊંઠાં ભણાવવાંની વાત છે; એ હકીકત ઈશ્વરના લોકો નજરે જુએ, એવું એલિયા ચાહતા હતા.—૧ રાજા. ૧૮:૨૬, ૨૭.

૧૫. યહોવા સિવાય બીજા કોઈને માલિક તરીકે પસંદ કરવાની મૂર્ખતા બઆલના પૂજારીઓમાં કઈ રીતે જોવા મળી?

૧૫ એ સાંભળીને બઆલના પૂજારીઓ પર જાણે ગાંડપણ સવાર થયું. “તેઓએ મોટેથી પોકાર કર્યો, ને પોતાની રીત પ્રમાણે પોતાને તરવારથી તથા ભાલાથી એટલે સુધી ઘાયલ કર્યા, કે તેમના પર લોહીની ધારાઓ વહેવા લાગી.” એનો કોઈ જ મતલબ ન હતો! “કંઈ વાણી થઈ નહિ, તેમ જ ઉત્તર આપનાર કે ગણકારનાર કોઈ ન હતું.” (૧ રાજા. ૧૮:૨૮, ૨૯) હકીકતમાં, બઆલ હતો જ નહિ. એ તો લોકોને યહોવા પાસેથી દૂર ખેંચી જવા શેતાને કરેલી બનાવટ હતી. સત્ય તો એ છે કે યહોવા સિવાય બીજા કોઈને પણ માલિક તરીકે પસંદ કરવાથી નિરાશા જ મળે છે; અરે, શરમાવું પણ પડે છે.—ગીતશાસ્ત્ર ૨૫:૩; ૧૧૫:૪-૮ વાંચો.

સાચા ઈશ્વરનો જવાબ

૧૬. (ક) કાર્મેલ પર્વત પર એલિયાએ યહોવાની વેદી ફરીથી બાંધી એનાથી લોકોને શું યાદ આવ્યું હોય શકે? (ખ) એલિયાએ કઈ રીતે પોતાના ઈશ્વરમાં હજુ વધારે ભરોસો બતાવ્યો?

૧૬ મોડી બપોરે એલિયાનો વારો આવ્યો કે તે બલિદાન ચડાવે. પહેલા તેમણે યહોવાની વેદી ફરીથી બાંધી, જે સાચી ભક્તિના દુશ્મનોએ તોડી પાડી હતી. તેમણે એ માટે ૧૨ પથ્થર વાપર્યા. એનાથી ઇઝરાયેલનાં ૧૦ કુળોના દેશના ઘણાને યાદ આવ્યું હશે કે તેઓ હજુ પણ ૧૨ કુળોને અપાયેલું નિયમશાસ્ત્ર પાળવા બંધાયેલા છે. પછી, એલિયાએ વેદી પર બલિદાન મૂક્યું અને બધું પાણીથી તરબોળ કરી દીધું. એ પાણી કદાચ નજીકના ભૂમધ્ય સમુદ્રમાંથી લાવવામાં આવ્યું હતું. અરે, તેમણે તો વેદીની આસપાસ ખાઈ ખોદાવી અને એમાં પણ પાણી ભર્યું. તેમણે બઆલના પ્રબોધકોના લાભમાં દરેક રીતે છૂટછાટ આપી હતી, જ્યારે કે યહોવા માટે દરેક રીતે અડચણો ઊભી કરી. પોતાના ઈશ્વરમાં એલિયાને એટલો બધો ભરોસો હતો!—૧ રાજા. ૧૮:૩૦-૩૫.

એલિયાની પ્રાર્થના બતાવે છે કે તેમને હજુ પણ લોકોની કેટલી ચિંતા હતી, કેમ કે તેમની તમન્ના એ જ હતી કે યહોવા ‘તેઓનાં હૃદય પાછાં ફેરવે’

૧૭. એલિયા માટે જે મહત્ત્વનું હતું, એ તેમની પ્રાર્થનામાં કઈ રીતે દેખાઈ આવ્યું? આપણે પોતાની પ્રાર્થનામાં તેમના પગલે કઈ રીતે ચાલી શકીએ?

૧૭ બધી તૈયારીઓ થઈ ગયા પછી, એલિયાએ પ્રાર્થના કરી. એ સાદી અને સરળ પ્રાર્થના સાફ બતાવતી હતી કે તેમના માટે શું મહત્ત્વનું છે. સૌથી પહેલા તે જણાવવા માંગતા હતા કે બઆલ નહિ, પણ યહોવા ‘ઇઝરાયેલના ઈશ્વર’ છે. બીજું, તે દરેકને જણાવવા ચાહતા હતા કે પોતે યહોવાના ભક્ત છે; સર્વ માન ને મહિમા ઈશ્વરને જવા જોઈએ. છેલ્લે, તેમણે બતાવ્યું કે પોતાને હજુ પણ લોકોની કેટલી ચિંતા છે, કેમ કે તેમની તમન્ના એ જ હતી કે યહોવા ‘તેઓનાં હૃદય પાછાં ફેરવે.’ (૧ રાજા. ૧૮:૩૬, ૩૭) લોકોમાં શ્રદ્ધાની ખામી હોવાથી, તેઓ હાથે કરીને પોતાના માથે તકલીફો લાવ્યા હતા. તેમ છતાં, એલિયા તેઓને બહુ ચાહતા હતા. પ્રાર્થનામાં આપણે પણ એવી જ નમ્રતા બતાવીએ; ઈશ્વરનું નામ મોટું મનાવીએ અને મદદની જરૂર હોય તેઓને પ્રેમ બતાવીએ.

૧૮, ૧૯. (ક) યહોવાએ એલિયાની પ્રાર્થનાનો કેવો જવાબ આપ્યો? (ખ) એલિયાએ લોકોને શું કરવાનું કહ્યું અને બઆલના પૂજારીઓ કેમ જરાય દયાને લાયક ન હતા?

૧૮ એલિયાની પ્રાર્થના પહેલાં, લોકો વિચારતા હશે કે બઆલ જેમ જૂઠો સાબિત થયો તેમ યહોવા પણ જૂઠા સાબિત થશે. પરંતુ, પ્રાર્થના પછી એવું કંઈ વિચારવાનો સવાલ જ ન રહ્યો. અહેવાલ જણાવે છે: “ત્યારે યહોવાના અગ્નિએ પડીને દહનીયાર્પણ, લાકડાં, પથ્થર તથા ધૂળ બાળીને ભસ્મ કર્યાં, ને ખાઈમાં જે પાણી હતું તે શોષી લીધું.” (૧ રાજા. ૧૮:૩૮) કેવો જોરદાર જવાબ! એ જોઈને લોકોએ શું કર્યું?

‘ત્યારે યહોવાનો અગ્નિ નીચે પડ્યો’

૧૯ તેઓ બધા પોકારી ઊઠ્યા, “યહોવા એ જ ઈશ્વર છે; યહોવા એ જ ઈશ્વર છે.” (૧ રાજા. ૧૮:૩૯) આખરે, તેઓએ હકીકત જોઈ. જોકે, તેઓએ શ્રદ્ધા બતાવવા હજુ કંઈ કર્યું ન હતું. પ્રાર્થનાના જવાબમાં આકાશમાંથી અગ્નિ પડ્યો, એ જોયા પછી એમ કહેવું કે યહોવા સાચા ઈશ્વર છે, એમાં શું મોટી વાત! તેથી, એલિયાએ તેઓને એક કામ સોંપ્યું. તેમણે તેઓને યહોવાનું નિયમશાસ્ત્ર પાળવાનું કહ્યું, જે તેઓએ ઘણાં વર્ષો પહેલાં કરવાની જરૂર હતી. ઈશ્વરનું નિયમશાસ્ત્ર જણાવતું હતું કે જૂઠા પ્રબોધકો અને મૂર્તિપૂજકોને મારી નાખવામાં આવે. (પુન. ૧૩:૫-૯) બઆલના આ પૂજારીઓ યહોવાના કટ્ટર દુશ્મનો હતા અને તેઓ જાણીજોઈને યહોવા વિરુદ્ધ જતા હતા. શું તેઓ પર દયા આવવી જોઈએ? જરા વિચારો, તેઓ બઆલની આગળ આગમાં જીવતાં બાળકોની બલિ ચડાવતાં. એ નિર્દોષ બાળકો પર શું તેઓને જરા પણ દયા આવી હતી? (નીતિવચનો ૨૧:૧૩ વાંચો; યિર્મે. ૧૯:૫) તેઓ જરાય દયાને લાયક ન હતા! તેથી, એલિયાએ તેઓની કતલ કરવાનો હુકમ કર્યો અને તેઓમાંથી એક પણ બચ્યો નહિ.—૧ રાજા. ૧૮:૪૦.

૨૦. એલિયાએ બઆલના પૂજારીઓને મારી નાખ્યા એ વિશે આજના ટીકાકારોની ટીકામાં કેમ કંઈ દમ નથી?

૨૦ જે બન્યું એની આજના ટીકાકારો આકરી ટીકા કરે પણ ખરાં. અમુકને કદાચ ચિંતા થાય કે ઝનૂની લોકો ધર્મની આડમાં બીજા ધર્મોના લોકો પર જુલમ ગુજારશે, તેઓને મારી પણ નાખે. દુઃખની વાત છે કે આજે એવા ઘણા ધર્મઝનૂની લોકો છે. જોકે, એલિયા ઝનૂની ન હતા. કતલ કરવાનું કહીને તેમણે યહોવા માટે ન્યાયી રીતે પગલાં ભર્યાં. બીજું, આજે સાચા ઈશ્વરભક્તો જાણે છે કે તેઓ એલિયાની જેમ તરવાર લઈને દુષ્ટોની પાછળ પડી નથી શકતા. એના બદલે, ઈસુના બધા શિષ્યો માટે બેસાડેલા સિદ્ધાંતને તેઓ વળગી રહે છે. એ સિદ્ધાંત ઈસુએ પીતરને કહેલા શબ્દોમાં જોવા મળે છે: “તારી તલવાર એની જગ્યાએ પાછી મૂકી દે, કેમ કે જેઓ તલવાર ઉઠાવે છે તેઓ સર્વ તલવારથી નાશ પામશે.” (માથ. ૨૬:૫૨) ભવિષ્યમાં અદ્દલ ઇન્સાફ કરવાનું કામ, યહોવા પોતાના દીકરા ઈસુને સોંપશે.

૨૧. આજે સાચા ઈશ્વરભક્તો માટે એલિયાનો દાખલો કેમ એકદમ બંધબેસે છે?

૨૧ સાચા ઈશ્વરભક્તોએ પૂરી શ્રદ્ધાથી જીવવું જોઈએ. (યોહા. ૩:૧૬) એની એક રીત છે, એલિયા જેવા શ્રદ્ધાળુ ભક્તોને પગલે ચાલીએ. તેમણે એકલા યહોવાની જ ભક્તિ કરી અને બીજાઓને પણ એમ જ કરવા જણાવ્યું. લોકોને યહોવા પાસેથી દૂર લઈ જવા શેતાને જે ધર્મનો ઉપયોગ કર્યો, એને એલિયાએ હિંમતથી ખુલ્લો પાડ્યો અને જૂઠો સાબિત કર્યો. તેમણે પોતાની આવડતો અને ઇચ્છાઓ પર આધાર રાખવાને બદલે, યહોવા પર પૂરો ભરોસો રાખ્યો. એલિયાએ સાચી ભક્તિ માટે લડત આપી. ચાલો આપણે બધા તેમની શ્રદ્ધાને અનુસરીએ!

^ ફકરો. 9 દરિયામાંથી કાર્મેલ પર્વતના ઢોળાવ પર ચઢતાં ભેજવાળાં વાદળાં ઘણી વાર વરસાદ વરસાવે છે અને પુષ્કળ ઝાકળ લાવે છે. એટલે, મોટા ભાગે એ પર્વત લીલોછમ રહે છે. વરસાદ લાવવાનો યશ બઆલને આપવામાં આવતો હોવાથી, આ પર્વત બઆલની ઉપાસના માટે ખરેખર મહત્ત્વની જગ્યા હતો. આમ, એ વેરાન, સૂકો કાર્મેલ પર્વત બઆલને જૂઠો સાબિત કરવાની એકદમ યોગ્ય જગ્યા હતી.

^ ફકરો. 12 નોંધ લો કે એલિયાએ તેઓને જણાવ્યું: ‘તમારે આગ ન મૂકવી.’ અમુક નિષ્ણાતો જણાવે છે કે કોઈ વાર આવા મૂર્તિપૂજકો છૂપા પોલાણવાળી વેદી વાપરતા, જેથી ચમત્કારથી આગ પ્રગટી હોય એવું લાગે.