સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુખ્ય વિષય | જીવન અને મૃત્યુ—શાસ્ત્ર શું કહે છે?

જીવન અને મૃત્યુ—શાસ્ત્ર શું કહે છે?

જીવન અને મૃત્યુ—શાસ્ત્ર શું કહે છે?

બાઇબલમાં ઉત્પત્તિના પુસ્તકમાં સૃષ્ટિના સર્જન વિશે અહેવાલ છે. એમાં જોવા મળે છે કે ઈશ્વરે પ્રથમ માણસ આદમને કહ્યું હતું: “વાડીના હરેક વૃક્ષ પરનું ફળ તું ખાયા કર; પણ ભલુંભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહિ; કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે.” (ઉત્પત્તિ ૨:૧૬, ૧૭) એ શબ્દો પરથી સ્પષ્ટ જોઈ શકાય કે, જો આદમે ઈશ્વરની આજ્ઞા પાળી હોત, તો તે મરણ પામ્યો ન હોત અને બાગ જેવી સુંદર પૃથ્વી પર કાયમ માટે જીવી શક્યો હોત.

અફસોસ કે આદમે ઈશ્વરની આજ્ઞા પાળીને કાયમ માટે જીવવાનું પસંદ કર્યું નહિ. એને બદલે, તેની પત્ની હવાએ મના કરેલું ફળ આપ્યું ત્યારે, તેણે એ ખાધું અને ઈશ્વરની આજ્ઞા તોડી. (ઉત્પત્તિ ૩:૧-૬) એ આજ્ઞાભંગનાં પરિણામો આજ દિન સુધી આપણે ભોગવી રહ્યા છીએ. ઈશ્વરભક્ત પાઊલે એ વિશે જણાવ્યું હતું: “એક માણસથી દુનિયામાં પાપ આવ્યું અને પાપથી મરણ અને બધા માણસોએ પાપ કર્યું હોવાથી તેઓમાં મરણ ફેલાયું.” (રોમનો ૫:૧૨) એ ‘એક માણસ’ બીજું કોઈ નહિ, પણ આદમ છે. એ પાપ શું હતું અને શા માટે એ મરણ તરફ લઈ ગયું?

આદમે જાણીજોઈને ઈશ્વરની આજ્ઞા તોડી. એને પાપ કહેવાય. (૧ યોહાન ૩:૪) અને ઈશ્વરે આદમને જણાવ્યું હતું કે પાપની સજા મૃત્યુ છે. જ્યાં સુધી આદમે અને ભાવિમાં થનાર તેનાં સંતાનોએ ઈશ્વરની આજ્ઞા પાળી હોત, ત્યાં સુધી તેઓ પાપ અને મરણના ડંખથી બચી શક્યા હોત. ઈશ્વરે મનુષ્યોને મરવા માટે નહિ, પણ જીવવા માટે બનાવ્યા હતા, હંમેશ માટે જીવવા.

એમાં કોઈ બેમત નથી કે બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ‘બધા માણસોમાં મૃત્યુ ફેલાયું’ છે. પણ મૃત્યુ પછી શું? ઘણા કહે છે કે આપણામાં આત્મા છે, જે અમર રહે છે. પણ જો મૃત્યુ પછી આપણે કોઈ રીતે જીવિત રહેતા હોય, તો પાપની સજા મરણ છે, એમ કઈ રીતે કહી શકાય. એનાથી તો ઈશ્વરના શબ્દો ખોટા સાબિત થાય. પરંતુ, બાઇબલ જણાવે છે: “ઈશ્વર માટે જૂઠું બોલવું અશક્ય છે.” (હિબ્રૂઓ ૬:૧૮) હકીકતમાં, શેતાને હવાને જૂઠું કહ્યું હતું કે “તમે નહિ જ મરશો.”—ઉત્પત્તિ ૩:૪.

તેથી સવાલ ઊભો થાય કે, જો અમર આત્માની માન્યતા જૂઠની બુનિયાદ પર હોય, તો મૃત્યુ પછી ખરેખર શું થાય છે?

બાઇબલ સત્યને છતું કરે છે

ઉત્પત્તિના પુસ્તકમાં સર્જનનો અહેવાલ જણાવે છે કે “યહોવા ઈશ્વરે ભૂમિની માટીનું માણસ બનાવ્યું, ને તેનાં નસકોરાંમાં જીવનનો શ્વાસ ફૂંક્યો; અને માણસ સજીવ પ્રાણી થયું.” (ઉત્પત્તિ ૨:૭) “સજીવ પ્રાણી” શબ્દો માટેનો હિબ્રૂ શબ્દ નેફેશ * છે, જેનો મૂળ અર્થ થાય, “શ્વાસ લેતું પ્રાણી.”

બાઇબલ સ્પષ્ટ કરે છે કે મનુષ્યનું સર્જન થયું ત્યારે, તેનામાં અમર આત્મા જેવું કંઈ મૂકવામાં આવ્યું ન હતું. પણ એ જણાવે છે કે, દરેક માનવી એક જીવંત વ્યક્તિ છે. તમે ચાહો એટલી શોધખોળ કરી લો, પણ બાઇબલની એકેય કલમમાં “અમર આત્મા” શબ્દોનો ઉલ્લેખ થયો નથી.

ભલે લોકો અમર આત્મામાં માનતા હોય, પણ બાઇબલ એ માન્યતાને ટેકો આપતું નથી. તો પછી, શા માટે મોટાભાગના ધર્મો એને ટેકો આપે છે? એનો જવાબ જાણવા આપણે પ્રાચીન ઇજિપ્તના ઇતિહાસમાં ડોકિયું કરવું પડશે.

જૂઠાં શિક્ષણે કર્યો પગપેસારો

ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં થઈ ગયેલા ગ્રીક ઇતિહાસકાર હેરોડોટસે જણાવ્યું હતું કે, ઇજિપ્ત “એવી પ્રથમ સંસ્કૃતિ હતી, જે અમર આત્મામાં માનતી હતી.” પ્રાચીન બાબેલોનની સંસ્કૃતિ પણ અમર આત્માની માન્યતાને ટેકો આપતી હતી. ઈ.સ. પૂર્વે ૩૩૨માં મહાન સિકંદરે મધ્ય પૂર્વના દેશોને જીતી લીધા હતા. એ સમય સુધીમાં તો ગ્રીક ફિલસૂફોએ અમર આત્માના શિક્ષણને ઘણું પ્રખ્યાત બનાવી દીધું હતું, જે ઝડપથી આખા ગ્રીક સામ્રાજ્યમાં ફેલાઈ ગયું.

બાઇબલની એકેય કલમમાં “અમર આત્મા” શબ્દોનો ઉલ્લેખ થયો નથી

પહેલી સદીમાં, એસેનેસ અને ફરોશીઓ વર્ચસ્વ ધરાવતા યહુદી પંથો હતા. તેઓ શીખવતા કે મૃત્યુ વખતે શરીર નાશ પામે છે, પણ આત્મા બચી જાય છે. ધ જ્યુઇશ ઍન્સાઇક્લોપીડિયા જણાવે છે: “ગ્રીક વિચારધારા અને ખાસ કરીને પ્લેટોની ફિલસૂફીઓને કારણે યહુદીઓમાં અમર આત્માની માન્યતાએ પગપેસારો કર્યો.” એવી જ રીતે, પહેલી સદીના યહૂદી ઇતિહાસકાર જોસેફસ પ્રમાણે, એ શિક્ષણ પવિત્ર શાસ્ત્રોને આધારે નહિ, પણ “ગ્રીસના દીકરાઓની માન્યતાને” આધારે હતું. જોસેફસ મુજબ એ ગ્રીક માન્યતા બસ દંતકથાઓ અને પૌરાણિક વાર્તાઓ હતી.

ગ્રીક સંસ્કૃતિ પ્રભુત્વ જમાવતી ગઈ તેમ, પોતાને ખ્રિસ્તી કહેવડાવતા લોકોએ પણ એ જૂઠા શિક્ષણને અપનાવી લીધું. ઇતિહાસકાર યોના લેન્ડેરીંગ કહે છે: “પ્લેટો મુજબ આપણો આત્મા એક સમયે વધુ સારી જગ્યાએ હતો, પણ હવે પાપી દુનિયામાં વાસો કરે છે. એ ફિલસૂફી ખ્રિસ્તી માન્યતાઓ સાથે સહેલાઈથી ભળી જાય એવી હતી.” તેથી, અમર આત્માની જૂઠી માન્યતાને “ખ્રિસ્તી” ચર્ચોએ સ્વીકારી લીધી અને એ માન્યતા એના શિક્ષણનો મહત્ત્વનો ભાગ બની ગઈ.

“સત્ય તમને આઝાદ કરશે”

પહેલી સદીમાં, પ્રેરિત પીતરે ચેતવણી આપી હતી: “ઈશ્વરની પ્રેરણાથી લખાયેલો સંદેશો સાફ જણાવે છે કે એવો સમય આવશે, જ્યારે અમુક લોકો શ્રદ્ધામાંથી પડી જશે. એ લોકો ભમાવનારા પ્રેરિત શબ્દોમાં અને દુષ્ટ દૂતોના શિક્ષણમાં મન પરોવશે.” (૧ તિમોથી ૪:૧) એ શબ્દો સોએ સો ટકા સાચા પડ્યા છે! અમર આત્માની માન્યતા તો ‘દુષ્ટ દૂતોના શિક્ષણ’નો ફક્ત એક જ દાખલો છે. એ માન્યતાને બાઇબલ ટેકો આપતું નથી અને એના મૂળ પ્રાચીન જૂઠા ધર્મો અને ફિલસૂફીઓમાંથી છે.

જોકે, આપણા માટે એક ખુશીની વાત છે! ઈસુએ કહ્યું હતું: “તમે સત્ય જાણશો અને સત્ય તમને આઝાદ કરશે.” (યોહાન ૮:૩૨) બાઇબલમાંથી સત્યનું ખરું જ્ઞાન મેળવીને આપણે એવાં શિક્ષણ અને રીતરિવાજોથી આઝાદી મેળવી શકીએ છીએ, જે ઈશ્વરનો અનાદર કરે છે. ભલે મોટા ભાગના ધર્મો જૂઠાં શિક્ષણ અને રિવાજોને પ્રોત્સાહન આપે, પણ સત્ય આપણને મૃત્યુ સાથે જોડાયેલાં રીતરિવાજો અને અંધશ્રદ્ધાની બેડીઓમાંથી આઝાદ કરે છે.—“ મૃત્યુ પામેલા લોકો ક્યાં છે?” બૉક્સ જુઓ.

આપણા સર્જનહારનો હેતુ એવો ન હતો કે, મનુષ્યો ૭૦ કે ૮૦ વર્ષ પૃથ્વી પર જીવે અને પછી બીજી દુનિયામાં અમરત્વ પામે. ઈશ્વરનો મૂળ હેતુ એ હતો કે, મનુષ્યો તેમને આધીન રહે અને કાયમ માટે પૃથ્વી પર જીવે. એ ભવ્ય હેતુ ઈશ્વરના પ્રેમની નિશાની છે, જે કોઈ પણ કાળે નિષ્ફળ જશે નહિ. (માલાખી ૩:૬) ઈશ્વરની પ્રેરણાથી લખાયેલા એક ગીતમાં પાકી ખાતરી આપી છે કે, ‘સારા લોકો ધરતીનો વારસો પામશે, અને એમાં તેઓ સદાકાળ રહેશે.’—ગીતશાસ્ત્ર ૩૭:૨૯.

 

^ ફકરો. 9 આજનાં ઘણાં ભાષાંતરોમાં એ શબ્દનો “જીવંત વ્યક્તિ,” IBSI; “જીવંત પ્રાણી,” કોમન લેંગ્વેજ અને “જીવ આવ્યો,” સંપૂર્ણ તરીકે અનુવાદ થયો છે.