સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

રબની વાત માનવાથી આપણી જિંદગીમાં ખુશીઓની કોઈ કમી નહિ રહે

ખુદાનું કહેવું માનીએ, બરકત મેળવીએ

ખુદાનું કહેવું માનીએ, બરકત મેળવીએ

મુસા નબીએ કહ્યું હતું કે જો આપણે ખુદાના અસૂલો પર ચાલીશું તો તે આપણને બરકત આપશે. (પુનર્નિયમ ૧૦:૧૩; ૧૧:૨૭) લોકો ખુદાની ઈબાદત એટલે કરે છે કેમ કે તેઓને ડર છે કે જો એમ નહિ કરે તો ખુદા તેઓને સજા કરશે. પણ આપણે ખુદાને પ્રેમ કરીએ છીએ અને તેમને દુઃખી કરવા નથી માંગતા એટલે તેમની ઈબાદત કરીએ છીએ. તેમનો સ્વભાવ અને તેમના ગુણો પણ લાજવાબ છે. એટલે આપણે તેમનું કહેવું માનીએ છીએ. ખુદાને દિલથી ચાહવાનો મતલબ એ છે કે આપણે તેમના અસૂલો પર ચાલીએ.—૧ યોહાન ૫:૩.

પણ ખુદાનું માનવાથી કઈ રીતે આશિષ મળે? ચાલો બે રીતો જોઈએ.

૧. ખુદાની વાત માનીશું તો સમજદાર બનીશું

‘હું યહોવા તારો ખુદા છું, ને તારા ભલાને માટે તને શીખવું છું. જે રાહ પર તારે જવું જોઈએ એ પર તને ચલાવું છું.’—યશાયા ૪૮:૧૭.

યહોવા ખુદા આખા જહાનના માલિક છે. તે આપણને સારી રીતે સમજે છે અને સાચી રાહ બતાવે છે. તેમણે પોતાની કિતાબમાં લખાવ્યું છે કે તે આપણી પાસેથી શું ચાહે છે. જો આપણે એ વાંચીશું અને એને અમલમાં મૂકીશું તો સારા નિર્ણયો લેવા મદદ મળશે.

૨. ખુદાની વાત માનીશું તો ખુશ રહીશું

‘જેઓ ખુદાની વાત સાંભળે છે અને એનો અમલ કરે છે તેઓ સુખી છે!’—લુક ૧૧:૨૮.

આજે લાખો લોકો ખુદાની કિતાબ વાંચે છે અને એના અસૂલો પાળે છે. એનાથી તેઓની જિંદગીમાં ખુશીઓની બહાર આવી છે. સ્પેનમાં રહેતા એક માણસનો વિચાર કરો. તેને વાત વાતમાં ગુસ્સો આવતો. તે બધા સાથે બૂરાઈથી વર્તતો. અરે, પોતાની બીવી સાથે પણ. એક દિવસ તેણે મુસા નબીનાં લખાણોમાંથી યાકૂબના પુત્ર યૂસફ વિશે વાંચ્યું. યૂસફને ગુલામ તરીકે વેચી દેવામાં આવ્યો. તેને વગર વાંકે જેલમાં પૂરી દેવામાં આવ્યો. તોપણ, તે શાંત રહ્યો, બદલો ન લીધો અને બીજાઓને માફી આપી દીધી. (ઉત્પત્તિ અધ્યાય ૩૭-૪૫) સ્પેનનો એ માણસ કબૂલ કરે છે: “યૂસફના દાખલા પર વિચાર કરવાથી, મને શાંત રહેવા, રહેમ કરવા અને ગુસ્સાને કાબૂમાં રાખવા મદદ મળી. અને આજે હું ખુશ છું.”

બીજાઓ સાથે કઈ રીતે પેશ આવવું એ વિશે ખુદાની કિતાબમાં સરસ સલાહ આપવામાં આવી છે. એ વિશે આપણે હવે પછીના લેખમાં જોઈશું.