સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કુટુંબ માટે મદદ | લગ્ન

સારા સાંભળનાર કઈ રીતે બનવું?

સારા સાંભળનાર કઈ રીતે બનવું?

મુશ્કેલી

“તમે મારું સાંભળતા નથી!” તમારી પત્ની કહે છે. * તમે મનમાં કહો છો, ‘પણ હું સાંભળતો હતો.’ જોકે, તમારી પત્નીએ જે કહ્યું, એનાથી તમે જે સાંભળ્યું એ જુદું હતું. તેથી, ફરી ઝઘડો શરૂ થાય છે.

તમે આવા ઝઘડા ટાળી શકો છો. પરંતુ, પહેલા તમારે એ સમજવાની જરૂર છે કે ભલે એમ લાગે કે તમે સાંભળતા હતા, છતાંય તમારા લગ્નસાથીએ કહેલી મહત્ત્વની માહિતી તમે કેમ ચૂકી ગયા હોઈ શકો.

એવું શા માટે બને છે?

તમારું ધ્યાન બીજે હોય, થાકેલા હો અથવા એ બંને હો. બાળકોની બૂમાબૂમ, ટેલિવિઝનનો ઘોંઘાટ અને નોકરી પર ઊભી થયેલી તકલીફનો તમે વિચાર કરી રહ્યા છો. એવામાં તમારી પત્ની તમારી સાથે વાત કરવા લાગે છે, તે સાંજે આવનાર મહેમાનો વિશે કંઈક કહી રહી છે. તમે માથું હલાવીને “હા” કહો છો, પણ જે કહેવામાં આવ્યું એ શું તમે સાચે જ સાંભળ્યું? મોટે ભાગે ના.

તમે અનુમાન કરો છો. તમે ધારી લો છો કે પત્નીના શબ્દોનો બીજો કંઈ અર્થ છે, જ્યારે કે તમે પોતે એના વિશે વધારે પડતાં અનુમાનો કરતા હોય શકો. દાખલા તરીકે, કદાચ તમારી પત્ની કહે કે, “આ અઠવાડિયે તમે ઘણો ઓવરટાઈમ કર્યો છે.” એમાં વાંક કાઢીને તમે કહો છો, “હું શું કરું? તારો ખર્ચો જ એટલો છે કે મારે ઓવરટાઈમ કરવા સિવાય છૂટકો નથી!” “હું તમારો વાંક ન‘તી કાઢતી,” તમારી પત્ની ઊંચા અવાજે કહે છે. તેના કહેવાનો ઇરાદો ફક્ત એ હતો કે શનિ-રવિના દિવસોએ સાથે સમય વિતાવીને આરામ કરો.

તમે ઉતાવળો ઉપાય શોધો છો. માર્સી * કહે છે, “કોઈ વાર હું ફક્ત એ જ જણાવવા ચાહું છું કે મને કેવું લાગે છે. પણ માઇક એનો ઉકેલ બતાવવા લાગે છે. મને ઉકેલ જોઈતો નથી. મારે ફક્ત તેમને જણાવવું છે કે મને કેવું લાગે છે.” મુશ્કેલી કઈ છે? માઇકનું મગજ ઉપાય શોધવા દોડે છે. એના લીધે, તે કદાચ માર્સીએ કહેલી થોડી અથવા બધી બાબતો ચૂકી જશે.

તકલીફ ઊભી થવાનું કારણ ગમે એ હોય, પણ તમે સારા સાંભળનાર કઈ રીતે બની શકો?

તમે શું કરી શકો?

પૂરેપૂરું ધ્યાન આપો. તમારા લગ્નસાથી કંઈક મહત્ત્વની વાત કહેવા માંગે છે, પણ શું તમે સાંભળવા તૈયાર છો? કદાચ ના. અત્યારે તમારું મન બીજી કોઈ બાબતો પર હોય શકે. એમ હોય તો, સાંભળવાનો ઢોંગ ન કરો. શક્ય હોય તો, તમે જે કામ કરો છો એને બાજુ પર મૂકો અને તમારા સાથીને પૂરેપૂરું ધ્યાન આપો. અથવા તમે એમ કરી શકો ત્યાં સુધી તમારા સાથીને થોડી રાહ જોવાનું કહી શકો.—બાઇબલ સિદ્ધાંત: યાકૂબ ૧:૧૯.

એક બોલે, એક સાંભળે. તમારો વારો સાંભળવાનો હોય ત્યારે, વચ્ચે બોલવાનું અથવા અસહમત થવાનું ટાળો. બોલવાનો તમારો વારો પણ આવશે. પરંતુ, હમણાં ધ્યાનથી સાંભળો.—બાઇબલ સિદ્ધાંત: નીતિવચનો ૧૮:૧૩.

સવાલો પૂછો. એમ કરવાથી તમારા લગ્નસાથી જે કહે છે એ તમે સારી રીતે સમજી શકશો. આગળ માર્સી વિશે જણાવ્યું હતું, તે કહે છે: “માઇક સવાલ પૂછે એ મને ખૂબ ગમે. એ બતાવે છે કે હું જે કહું એમાં તેમને રસ છે.”

ફક્ત શબ્દો નહિ, પણ એમાં રહેલો સંદેશો સાંભળો. હાવભાવ, આંખના ઇશારા અને અવાજના સૂરનો સંદેશો પારખો. કઈ રીતે કહેવામાં આવે છે, એના આધારે કદાચ “એ સારું છે” કહેવાનો અર્થ થાય “એ સારું નથી.” “તમે મને કદી મદદ કરતા નથી,” કહેવાનો અર્થ થઈ શકે કે “મને લાગે છે કે તમને મારી કોઈ કિંમત નથી.” શબ્દો વગર કહેવાયેલો સંદેશો સમજવાનો પ્રયત્ન કરો. નહિતર, કહેવા પાછળના સંદેશા પર ધ્યાન આપવાને બદલે, જે કહેવામાં આવ્યું એના પર તમે દલીલ કરતા રહેશો.

સાંભળતા રહો. તમે જે સાંભળો છો એ પસંદ ન હોય તોપણ, સાંભળવાનું બંધ ન કરો અથવા ત્યાંથી ચાલ્યા ન જાવ. દાખલા તરીકે, તમારા લગ્નસાથી તમારો દોષ કાઢતા હોય તો શું કરશો? ગ્રેગરીભાઈના લગ્નને ૬૦થી વધારે વર્ષો થયાં છે. તે સલાહ આપે છે: “સાંભળતા રહો. તમારા સાથી જે કહે છે એને પૂરું ધ્યાન આપો. એમ કરવા માટે સમજુ બનવું પડે, પણ એનાથી તમને લાભ થશે.”—બાઇબલ સિદ્ધાંત: નીતિવચનો ૧૮:૧૫.

તમારા સાથીનું સાચે જ ધ્યાનથી સાંભળો. ધ્યાનથી સાંભળતા રહેવાનો અર્થ ફક્ત નામ પૂરતું નહિ, પણ પ્રેમથી સાંભળવું થાય છે. તમારા સાથી જે કહે છે એમાં જો તમને સાચે જ રસ હોય, તો જબરદસ્તીથી નહિ પણ આપોઆપ સાંભળવાનું મન થશે. એ રીતે તમે બાઇબલની આ શિખામણ પાળશો: ‘તમે દરેક પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓના હિત પર ધ્યાન રાખો.’—ફિલિપી ૨:૪. (g13-E 12)

^ ફકરો. 4 આ લેખમાં અમે પતિનો ઉલ્લેખ કરીએ છીએ. પણ, અહીં આપેલા સિદ્ધાંતો પતિ-પત્ની બંનેને લાગુ પડે છે.

^ ફકરો. 9 આ લેખમાં નામ બદલવામાં આવ્યાં છે.