સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલ શું કહે છે?

પ્રાર્થના

પ્રાર્થના

શું આપણી પ્રાર્થનાઓ કોઈ સાંભળે છે?

‘હે પ્રાર્થનાના સાંભળનાર, તમારી પાસે સર્વ લોક આવશે.’—ગીતશાસ્ત્ર ૬૫:૨.

લોકો શું કહે છે?

એવું કહેવામાં આવે છે કે, “પ્રાર્થના ઈશ્વર સુધી પહોંચતી નથી.” ખાસ કરીને, જેઓ દુઃખ-તકલીફ સહી રહ્યા છે તેઓને થઈ શકે કે તેઓની પ્રાર્થના સાંભળવામાં આવતી નથી.

બાઇબલ શું કહે છે?

‘ન્યાયીઓ પર પ્રભુ યહોવાની નજર છે; અને તેઓની પ્રાર્થનાઓ તેમને કાને પડે છે; પણ પ્રભુ દુષ્ટતા કરનારાઓથી વિમુખ છે.’ (૧ પીતર ૩:૧૨) આ બતાવે છે કે યહોવા ઈશ્વર આપણી પ્રાર્થનાઓ ચોક્કસ સાંભળે છે. ખાસ કરીને, જેઓ તેમના માર્ગે ચાલે છે તેઓની પ્રાર્થના તે સાંભળે છે. ઈશ્વર આપણી પ્રાર્થના રાજીખુશીથી સાંભળે છે એ વિશે બીજું એક વચન આમ જણાવે છે: ‘તેમના વિશે આપણને ખાતરી છે કે જો આપણે તેમની ઇચ્છા પ્રમાણે કંઈ માગીએ, તો તે આપણું સાંભળે છે.’ (૧ યોહાન ૫:૧૪) એટલે, આપણે સમજવાની જરૂર છે કે પ્રાર્થનામાં કેવી બાબતોનો ઉલ્લેખ કરવો જોઈએ, જે ઈશ્વરની ઇચ્છાની સુમેળમાં હોય.

કઈ રીતે પ્રાર્થના કરવી જોઈએ?

‘તમે પ્રાર્થના કરતા વિદેશીઓની જેમ અમથો લવારો ન કરો.’—માથ્થી ૬:૭.

લોકો શું કહે છે?

બૌદ્ધ, કૅથલિક, હિંદુ અને ઇસ્લામ જેવા ધર્મમાં એવું શીખવવામાં આવે છે કે માળા વાપરીને ગોખેલી પ્રાર્થના કરવી અને ગણવી.

બાઇબલ શું કહે છે?

પ્રાર્થના દિલથી કરેલી અને ઢોંગ વગરની હોવી જોઈએ. તેમ જ, ગોખીને એકની એક વાત વારંવાર ન જણાવી જોઈએ. બાઇબલ જણાવે છે: ‘તમે પ્રાર્થના કરતા વિદેશીઓની જેમ અમથો લવારો ન કરો, કેમ કે તેઓ ધારે છે કે અમારા ઘણા બોલવાથી અમારું સાંભળવામાં આવશે. એ માટે તમે તેઓના જેવા ન થાઓ; કેમ કે જેની તમને અગત્ય છે, એ તેમની પાસે માગ્યા અગાઉ તમારા પિતા જાણે છે.’—માથ્થી ૬:૭, ૮.

એ જાણવું કેમ મહત્ત્વનું છે?

ઈશ્વરને પસંદ ન હોય એ રીતે પ્રાર્થના કરવામાં આવે ત્યારે, પ્રાર્થના કરનારનો સમય બગડી શકે અને ઈશ્વરનું અપમાન થઈ શકે. બાઇબલ ચેતવણી આપે છે કે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જીવતા નથી અને પ્રાર્થના કરે છે તેઓની પ્રાર્થના તેમને “કંટાળારૂપ” લાગે છે.—નીતિવચનો ૨૮:૯.

કોને પ્રાર્થના કરવી જોઈએ?

‘યહોવા મળે છે એટલામાં તેમને શોધો, તે પાસે છે એટલામાં તેમને હાંક મારો.’—યશાયા ૫૫:૬.

લોકો શું કહે છે?

અમુક લોકો મરિયમ અથવા બીજી વ્યક્તિને પ્રાર્થના કરે છે. જેમ કે, દૂતો અને “સંત” તરીકે ઓળખાતી વ્યક્તિઓ. એવા એક “સંત” એન્થની પદુઆ છે. અમુક લોકો માને છે કે તે તેઓની “ધાર્મિક અને રોજબરોજની જરૂરિયાતો” પૂરી પાડે છે. તેમ જ, જુડ નામના “સંત” વિશે લોકોનું માનવું છે કે તે “અઘરા સમયે” મદદ કરે છે. ઘણા ભક્તો આવા “સંત” અને દૂતોને એવી આશાએ પ્રાર્થના કરે છે કે તેઓ તેમની પ્રાર્થના ઈશ્વર સુધી પહોંચાડે.

બાઇબલ શું કહે છે?

સાચા ઈશ્વરભક્તોએ ‘સ્વર્ગમાંના પિતાને’ પ્રાર્થના કરવી જોઈએ (માથ્થી ૬:૯, IBSI ) બાઇબલ સલાહ આપે છે: “કશાની ચિંતા ન કરો; પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકારસ્તુતિસહિત તમારી અરજો ઈશ્વરને જણાવો.”—ફિલિપી ૪:૬. (g14-E 09)