સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કુટુંબ માટે મદદ | લગ્નજીવન

સાસુ-સસરા સાથે સારો સંબંધ જાળવીએ

સાસુ-સસરા સાથે સારો સંબંધ જાળવીએ

મુશ્કેલી

“અમે મુશ્કેલ સમયોમાંથી પસાર થતા હતા ત્યારે, મારી પત્નીએ એ વિશે પોતાના માબાપને જણાવી દીધું. પછી, તેના પપ્પાએ મને બોલાવીને એ વિશે સલાહ આપી. એ મને જરાય ન ગમ્યું.”—જેમ્સ. *

“મારા સાસુ વારંવાર કહેતા કે, ‘હું મારા દીકરાને ખૂબ યાદ કરું છું!’ તેઓ બંને વચ્ચે કેવો ગાઢ સંબંધ હતો એ પણ જણાવતા રહેતા. એનાથી, મને દોષની લાગણી થતી કે તેમના દીકરા સાથે લગ્ન કરીને મેં તેમના દિલને દુઃખ પહોંચાડ્યું છે.”—નતાશા.

શું સાસુ-સસરા સાથેની મુશ્કેલીને લગ્નજીવનની મુશ્કેલી બનતા રોકી શકાય?

તમારે શું જાણવું જોઈએ?

લગ્નથી એક નવા કુટુંબની શરૂઆત થાય છે. બાઇબલ કહે છે કે, માણસ લગ્ન કરે છે ત્યારે “પોતાનાં માબાપને મૂકીને પોતાની સ્ત્રીને વળગી રહેશે.” એ જ પત્નીને પણ લાગુ પડે છે. બાઇબલ જણાવે છે કે, તે લગ્ન કરે ત્યારે “બંને એક દેહ થશે.” આમ, તેઓના નવા કુટુંબની શરૂઆત થાય છે.—માથ્થી ૧૯:૫.

માબાપથી પહેલા તમારું લગ્ન આવે છે. એક સલાહકાર, જોન એમ. ગોટમેન લખે છે: ‘પરિણીત યુગલે યાદ રાખવાની જરૂર છે કે, પોતે કંઈ પણ કરે એમાં પોતાના સાથીનો પહેલાં વિચાર કરવો જોઈએ. સાથી સાથે સંપીને રહેવા તેણે કદાચ પોતાના માબાપ અને ભાઈ-બહેનો સાથે સંબંધ ઓછો કરવો પડે.’ *

અમુક માબાપને ફેરફાર અઘરા લાગે. એક યુવાન પતિ જણાવે છે: “લગ્ન પહેલાં મારી પત્ની હંમેશાં પોતાના માબાપની ઇચ્છાને પ્રથમ રાખતી. પરંતુ, અમારા લગ્ન પછી તેની મમ્મીએ જોયું કે, તેમની દીકરીના જીવનમાં કોઈ બીજું વધારે મહત્ત્વનું છે. એ સ્વીકારવું તેમના માટે અઘરું હતું.”

અમુક નવા પરિણીત યુગલને પણ અઘરું લાગે. અગાઉ વાત કરી ગયા એ જેમ્સ જણાવે છે: “મિત્રોની પસંદગી કરીએ તેમ સાસુ-સસરાની પસંદગી કરાતી નથી. કોઈકે કહ્યું છે તેમ, ‘તમને ગમે કે ન ગમે પણ તમારા હવે બે નવા મિત્રો છે.’ તેઓથી તમને ચીડ ચઢે તોપણ તેઓ તમારા કુટુંબના સભ્યો છે.”

તમે શું કરી શકો?

સાસુ-સસરાની કોઈ વાતને લીધે તમે અને તમારા સાથી સહમત ન હો તો, એને થાળે પાડવા એકબીજાને સહકાર આપો. બાઇબલ સલાહ આપે છે કે, ‘શાંતિ શોધો અને એની પાછળ લાગુ રહો.’—ગીતશાસ્ત્ર ૩૪:૧૪.

તમને મદદ મળે માટે નીચેના અમુક સંજોગોનો વિચાર કરો. દરેક સંજોગોને પતિ કે પત્નીને લાગુ પાડે એ રીતે રજૂ કરવામાં આવ્યા છે. જોકે, આ મુશ્કેલી બંનેમાંથી કોઈને પણ લાગુ પડી શકે. પરંતુ, જે સિદ્ધાંતોની ચર્ચા કરી છે એનાથી તમને સાસુ-સસરા સાથેના સંબંધમાં સુધારો કરવા મદદ મળી શકે.

પત્ની કહે કે, ‘કાશ, મારી મમ્મી સાથે તમારું સારું બનતું હોત!’ પરંતુ, તમને સાસુ સાથે શાંતિ જાળવવી અઘરી લાગે છે.

આમ કરો: પત્ની સાથે મુશ્કેલીની ચર્ચા કરો અને જતું કરવાનું વલણ રાખો. મુદ્દો એ નથી કે, તમને સાસુ વિશે કેવું લાગે છે. પરંતુ, જેને પ્રેમ કરવાનું વચન આપ્યું છે એ સાથી માટે તમને કેવી લાગણી છે. ચર્ચા દરમિયાન સાસુ સાથે સંબંધ સુધારવાની એક-બે રીત શોધો. પછી એ પ્રમાણે કરો. તમારા પ્રયત્નો જોઈને પત્નીને તમારા માટે માન વધશે.—બાઇબલ સિદ્ધાંત: ૧ કોરીંથી ૧૦:૨૪.

પતિ કહે કે, ‘મને ખુશ કરવા કરતાં તને તારા માબાપને ખુશ કરવામાં વધારે રસ છે.’

આમ કરો: પતિ સાથે મુશ્કેલીની ચર્ચા કરો. તેમ જ, બાબતોને તેમની નજરે જોવાનો પ્રયત્ન કરો. જો તમે તમારા માબાપને ફક્ત આદર આપતા હો, તો પતિએ એ વાતની બહુ ચિંતા ન કરવી જોઈએ. (નીતિવચનો ૨૩:૨૨) તેમ છતાં, તમારા શબ્દો અને કાર્યોથી પતિને ખાતરી અપાવો કે, તમારા જીવનમાં માબાપ કરતાં તે પહેલા આવે છે. જો પતિને એ વાતનો ભરોસો થશે, તો તમારું ધ્યાન પોતાના તરફ ખેંચવા તમારા માબાપ સાથે હરીફાઈ નહિ કરે.—બાઇબલ સિદ્ધાંત: એફેસી ૫:૩૩.

પત્ની સલાહ લેવા તમારી પાસે આવવાને બદલે પોતાના માબાપ પાસે જાય છે.

આમ કરો: પત્ની સાથે વાત કરો. માબાપને કેટલી હદ સુધી વાત જણાવશો એ સાથે મળીને નક્કી કરો. વાજબી બનવા પ્રયત્ન કરો. મુશ્કેલીઓ વિશે માબાપને જણાવવું શું હંમેશાં ખોટું કહેવાય? કઈ વાત કરવી યોગ્ય કહેવાય? તમે બંને નક્કી કરો કે કેટલી હદ સુધી માબાપને મુશ્કેલી જણાવશો. એમ કરવાથી, આ મુદ્દો તમારી માટે ક્યારેય મુશ્કેલી નહિ બને.—બાઇબલ સિદ્ધાંત: ફિલિપી ૪:૫. (g૧૫-E ૦૩)

^ ફકરો. 4 આ લેખમાં નામ બદલ્યાં છે.

^ ફકરો. 9 ધ સેવન પ્રિન્સિપલ્સ ફોર મેકિંગ મેરેજ વર્ક પુસ્તકમાંથી.