સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સ્ત્રીઓની સલામતી​—પવિત્ર શાસ્ત્રમાં શું જણાવ્યું છે?

સ્ત્રીઓની સલામતી​—પવિત્ર શાસ્ત્રમાં શું જણાવ્યું છે?

 આખી દુનિયામાં લાખો છોકરીઓ અને સ્ત્રીઓ અત્યાચારનો ભોગ બની છે. શું તમારી સાથે પણ એવું થયું છે? આ લેખમાં તમને જાણવા મળશે કે ઈશ્વર માટે સ્ત્રીઓની સલામતી ખૂબ મહત્ત્વની છે. એ પણ જોવા મળશે કે સ્ત્રીઓ પર થતા અત્યાચારને રોકવા ઈશ્વર શું કરશે.

 “નાનપણમાં મારો મોટો ભાઈ રોજ મને મારતો અને ગાળો બોલતો. લગ્‍ન પછી મારાં સાસુ પણ મારી સાથે એવું જ કરતાં. મારાં સાસુ-સસરા મને કામવાળીની જેમ રાખતાં. મને થતું હું આપઘાત કરી લઉં.”—મધુ, a ભારત.

 વિશ્વ આરોગ્ય સંસ્થા જણાવે છે, “દુનિયામાં જ્યાં જુઓ ત્યાં સ્ત્રીઓ પર હિંસા થાય છે.” અંદાજે દર ત્રણમાંથી એક સ્ત્રી જીવનમાં ક્યારેક ને ક્યારેક હિંસા અથવા જાતીય શોષણનો ભોગ બને છે.

 જ્યારે તમારી સાથે એવું થાય, ત્યારે તમારા મનમાં બીક પેસી જાય. તમને ડર લાગે કે બીજાઓ મહેણાં-ટોણાં મારશે, હાથ ઉપાડશે કે આબરૂ લૂંટી લેશે. સ્ત્રીઓ સાથે થતા અત્યાચારને જોઈને તમને લાગી શકે કે દુનિયામાં સ્ત્રીઓની કોઈને પડી જ નથી. ચાલો જોઈએ કે ઈશ્વર સ્ત્રીઓને કેવી ગણે છે.

બાઇબલમાંથી જાણવા મળે છે કે ઈશ્વરની નજરે સ્ત્રીઓની સલામતી બહુ કીમતી છે

ઈશ્વર સ્ત્રીઓને કેવી ગણે છે?

 શાસ્ત્રવચન: “ઈશ્વરે તેઓને પુરુષ અને સ્ત્રી બનાવ્યાં.”—ઉત્પત્તિ ૧:૨૭.

 અર્થ: ઈશ્વરે જ પુરુષ અને સ્ત્રી બંનેને બનાવ્યાં છે. એટલે બંનેને આદર મળવો જોઈએ. ઈશ્વર નથી ચાહતા કે પુરુષ પોતાની પત્ની પર હુકમ ચલાવે, તેને અપશબ્દો બોલે કે તેની સાથે મારઝૂડ કરે. ઈશ્વર તો ચાહે છે કે પુરુષ “પોતાને પ્રેમ કરે છે, એવો જ પ્રેમ પોતાની પત્નીને કરે.” (એફેસીઓ ૫:૩૩; કોલોસીઓ ૩:૧૯) આમ જોઈ શકાય છે કે ઈશ્વરની નજરે સ્ત્રીઓની સલામતી બહુ મહત્ત્વની છે.

 “હું નાની હતી ત્યારે, મારાં સગાઓએ મારું જાતીય શોષણ કર્યું. ૧૭ વર્ષની ઉંમરે મારા બૉસે મને ધમકી આપી કે જો હું તેની સાથે સેક્સ નહીં કરું તો તે મને નોકરીમાંથી કાઢી મૂકશે. મોટા થયા પછી પણ મારા પતિ, મારાં મમ્મી-પપ્પા અને પડોશીઓ મારી સાથે ખરાબ વ્યવહાર કરતાં. સમય જતાં હું આપણા સર્જનહાર, યહોવા b વિશે શીખી. મને ખબર પડી કે ઈશ્વર સ્ત્રીઓને ખૂબ માન આપે છે. એ જાણીને મને ખાતરી થઈ કે ઈશ્વર મને બહુ પ્રેમ કરે છે અને તેમની નજરે હું કીમતી છું.”—મારીઆ, આર્જેન્ટિના.

દિલ પર લાગેલા ઘા રુઝવવા તમને ક્યાંથી મદદ મળશે?

 શાસ્ત્રવચન: “એક એવો દોસ્ત છે, જે સગા ભાઈ કરતાં વધારે પ્રેમ બતાવે છે.”—નીતિવચનો ૧૮:૨૪.

 અર્થ: એક સાચો મિત્ર તમારી મદદ કરી શકે છે. જો તમને યોગ્ય લાગે, તો એવી વ્યક્તિને તમારા દિલની લાગણીઓ જણાવો, જેના પર તમને ભરોસો હોય.

 “મેં ૨૦ વર્ષ સુધી કોઈને જણાવ્યું ન હતું કે મારું જાતીય શોષણ થયું હતું. એટલે હું હંમેશાં દુઃખી, નિરાશ અને ગભરાયેલી રહેતી. પણ એક વખત મેં એવી વ્યક્તિ આગળ મારું દિલ ઠાલવ્યું જે મારી વાત ધ્યાનથી સાંભળવા તૈયાર હતી. પછી મને એવી શાંતિ મળી, જે હું શબ્દોમાં કહી શકતી નથી.”—એલીફ, તુર્કીયે.

 શાસ્ત્રવચન: “તમારી બધી ચિંતાઓ ઈશ્વર પર નાખી દો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.”—૧ પિતર ૫:૭.

 અર્થ: તમે પ્રાર્થના કરો છો ત્યારે, ઈશ્વર સાચે જ તમારી પ્રાર્થના સાંભળે છે. (ગીતશાસ્ત્ર ૫૫:૨૨; ૬૫:૨) ઈશ્વર તમારી કાળજી રાખે છે એટલે ખાતરી કરાવવા માંગે છે કે તમે તેમની નજરે અનમોલ છો.

 “યહોવા વિશે શીખવાથી મારા દિલના ઘા રુઝાવા લાગ્યા. હવે હું પ્રાર્થનામાં મારા દિલની બધી વાતો યહોવાને જણાવું છું. તે મારા એવા દોસ્ત છે જે મારી લાગણીઓને સારી રીતે સમજે છે.”—એના, બેલીઝ.

શું સ્ત્રીઓ સાથે થતા ખરાબ વ્યવહારને ઈશ્વર કદી રોકશે?

 શાસ્ત્રવચન: ‘યહોવા અનાથોને અને કચડાઈ ગયેલાઓને ન્યાય આપશે, જેથી પૃથ્વીનો કોઈ માણસ તેઓને ક્યારેય ડરાવે નહિ.’—ગીતશાસ્ત્ર ૧૦:૧૭, ૧૮.

 અર્થ: સ્ત્રીઓ સાથે થતા અન્યાય, બળજબરી અને હિંસાને યહોવા જલદી જ મિટાવી દેશે.

 “મને જાણવા મળ્યું કે યહોવા જલદી જ છોકરીઓ અને સ્ત્રીઓ સાથે થતા અત્યાચારને મિટાવી દેશે. એ જાણીને મને લાગ્યું કે જાણે કોઈએ મારા ઘા પર મલમ લગાવી દીધો હોય. એનાથી મને ઘણો દિલાસો મળ્યો.”—રોબર્ટા, મેક્સિકો.

 બાઇબલમાં બીજી કઈ આશા આપી છે? એમાં આપેલાં વચનો પર તમે કેમ ભરોસો રાખી શકો? યહોવાના સાક્ષીઓ કઈ રીતે બાઇબલમાંથી દિલાસો આપે છે? તમારે એ વિશે વધારે જાણવું હોય તો યહોવાના સાક્ષીઓનો સંપર્ક કરો. તેઓ વિના મૂલ્યે તમારી મુલાકાત લેશે.

 આ લેખ પ્રિન્ટ કરવા એને ડાઉનલોડ કરી શકો.

a નામ બદલ્યાં છે.

b બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ યહોવા છે. (ગીતશાસ્ત્ર ૮૩:૧૮) “યહોવા કોણ છે?” લેખ જુઓ.