સ્કીપ ટુ કન્ટેન્ટ

બાઇબલ સમયની સ્ત્રીઓ પાસેથી આપણે શું શીખી શકીએ?

બાઇબલ સમયની સ્ત્રીઓ પાસેથી આપણે શું શીખી શકીએ?

શાસ્ત્રમાંથી જવાબ

 શાસ્ત્રમાં ઘણી સ્ત્રીઓ વિશે લખ્યું છે. તેઓ પાસેથી આપણને જીવનમાં ઘણું શીખવા મળે છે. (રોમનો ૧૫:૪; ૨ તિમોથી ૩:૧૬, ૧૭) આ લેખમાં તેઓમાંથી અમુક સ્ત્રીઓ વિશે જોઈશું. એમાંની મોટાભાગની સ્ત્રીઓએ આપણા માટે સારો દાખલો બેસાડ્યો છે. જ્યારે કે બીજી અમુક સ્ત્રીઓના દાખલામાંથી આપણને ચેતવણી મળે છે.—૧ કોરીંથીઓ ૧૦:૧૧; હિબ્રૂઓ ૬:૧૨.

  અબીગાઈલ

 અબીગાઈલ કોણ હતી? તે નાબાલની પત્ની હતી. નાબાલ ઘણો ધનવાન પણ કઠોર હતો. જ્યારે કે અબીગાઈલ નમ્ર અને સમજુ હતી. તે ઘણી સુંદર હતી અને તેનામાં ઘણા સારા ગુણો હતા.—૧ શમુએલ ૨૫:૩.

 તેણે શું કર્યું? અબીગાઈલે પોતાના કુટુંબને મોટી મુસીબતમાંથી બચાવવા સમજી-વિચારીને પગલાં ભર્યાં. તે પોતાના પતિ નાબાલ સાથે એ વિસ્તારમાં રહેતી હતી, જ્યાં દાઉદ છુપાતા ફરતા હતા. આગળ જતાં દાઉદ ઇઝરાયેલના રાજા બનવાના હતા. એ સમયે દાઉદ અને તેમના માણસોએ નાબાલના ઘેટાંનું લૂંટારાઓથી રક્ષણ કર્યું હતું. એક દિવસે દાઉદે નાબાલ પાસે ખોરાક માંગવા અમુક માણસો મોકલ્યા. પણ નાબાલે ખોરાક આપવાની ના પાડી અને તેઓનું અપમાન કર્યું. એટલે દાઉદ ગુસ્સાથી તપી ઊઠ્યા. તેમણે નાબાલ અને તેના કુટુંબને મોતને ઘાટ ઉતારવાનો વિચાર કર્યો.—૧ શમુએલ ૨૫:૧૦-૧૨, ૨૨.

 નાબાલે જે કર્યું એ અબીગાઈલને જાણવા મળ્યું. એટલે તેણે પોતાના પતિ અને કુટુંબને બચાવવા તરત પગલાં ભર્યાં. તેણે સેવકો દ્વારા દાઉદ અને તેમના માણસો માટે ઘણો ખોરાક મોકલ્યો. પછી તે પણ દાઉદને મળવા ગઈ. તેણે દાઉદ પાસે નાબાલ અને પોતાના કુટુંબ માટે દયાની ભીખ માંગી. (૧ શમુએલ ૨૫:૧૪-૧૯, ૨૪-૩૧) દાઉદે જોયું કે અબીગાઈલે તેઓ માટે ઘણું બધું મોકલ્યું છે અને તે ઘણી નમ્ર છે. તેણે આપેલી સારી સલાહ દાઉદે સ્વીકારી. તે સમજી ગયા કે તેમને પાપ કરવાથી બચાવવા ઈશ્વરે તેને મોકલી છે. (૧ શમુએલ ૨૫:૩૨, ૩૩) એ બનાવના થોડા સમય બાદ નાબાલનું મોત થયું. પછી દાઉદે અબીગાઈલને પોતાની પત્ની બનાવી.—૧ શમુએલ ૨૫:૩૭-૪૧.

 અબીગાઈલ પાસેથી આપણે શું શીખી શકીએ? અબીગાઈલ સુંદર અને ધનવાન હતી. પણ એનું તેને જરાય ઘમંડ ન હતું. તેની ભૂલ ન હતી છતાં તેણે માફી માંગી. નાબાલને લીધે જે મુસીબત આવી એનો સામનો કરવો સહેલું ન હતું. બીજી કોઈ વ્યક્તિ હોત તો તણાવમાં આવી ગઈ હોત, પણ અબીગાઈલે મન શાંત રાખીને બાજી સંભાળી લીધી. તેણે હિંમત બતાવી અને સમજશક્તિ વાપરી.

  ઇઝેબેલ

 ઇઝેબેલ કોણ હતી? તે ઇઝરાયેલના રાજા આહાબની પત્ની હતી. તે ઇઝરાયેલી ન હતી. તે યહોવાની નહિ પણ કનાનીઓના દેવતા બઆલની ભક્તિ કરતી.

 તેણે શું કર્યું? તે બધા પર રોફ મારતી. તે ક્રૂર અને હિંસક હતી. તેણે બઆલની ભક્તિ અને એમાં થતાં વ્યભિચાર જેવાં ગંદાં કામોને ઉત્તેજન આપ્યું. એટલું જ નહિ સાચા ઈશ્વર યહોવાની ભક્તિ કરવાથી તે લોકોને રોકતી.—૧ રાજાઓ ૧૮:૪, ૧૩; ૧૯:૧-૩.

 ઇઝેબેલ પોતાની મરજી પૂરી કરવા જૂઠું બોલતી અને લોકોને મારી નંખાવતી. (૧ રાજાઓ ૨૧:૮-૧૬) ઈશ્વરે કહ્યું હતું એ રીતે તેનું મોત થયું. અરે, તેને દફનાવવામાં પણ આવી નહિ.—૧ રાજાઓ ૨૧:૨૩; ૨ રાજાઓ ૯:૧૦, ૩૨-૩૭.

 ઇઝેબેલ પાસેથી આપણે શું શીખી શકીએ? ઇઝેબેલ દુષ્ટ સ્ત્રી હતી. તેના દાખલામાંથી આપણને ચેતવણી મળે છે. તેનું ચાલચલણ સારું ન હતું. પોતાની મરજી પૂરી કરવા તે ગમે તે હદે જતી. તે ઘણી બદનામ હતી. એટલે જે સ્ત્રીઓ નફ્ફટ, ગંદા ચાલચલણવાળી અને બેશરમ બનીને પોતાની મરજી પૂરી કરે છે તેઓને ઇઝેબેલ સાથે સરખાવવામાં આવે છે.

 એસ્તેર

  એસ્તેર કોણ હતી? તે યહૂદી હતી અને ઈરાની રાજા અહાશ્વેરોશે તેને પોતાની રાણી બનાવી હતી.

 તેણે શું કર્યું? પોતાના લોકોનો કત્લેઆમ રોકવા તેણે પગલાં ભર્યાં. અહાશ્વેરોશ રાજાના દરબારમાં હામાન ખાસ મંત્રી હતો. તેણે ઈરાન સામ્રાજ્યમાં રહેતા બધા યહૂદીઓને મારી નાખવાનો એક આદેશ બહાર પાડ્યો. (એસ્તેર ૩:૧૩-૧૫; ૪:૧,) એ વાત એસ્તેરને ખબર પડી. તેણે પોતાના ભાઈ મોર્દખાયની મદદથી રાજાને હામાનના કાવતરા વિશે જણાવી દીધું. અરે, તેણે એ વાત જણાવવા પોતાનો જીવ પણ જોખમમાં મૂક્યો. (એસ્તેર ૪:૧૦-૧૬; ૭:૧-૧૦) પછી અહાશ્વેરોશ રાજાએ એસ્તેર અને મોર્દખાય પાસે બીજો એક આદેશ બહાર પડાવ્યો. એમાં યહૂદીઓને પોતાનો જીવ બચાવવા મંજૂરી આપી. પછી યહૂદીઓએ પોતાના દુશ્મનોને હરાવી દીધા.—એસ્તેર ૮:૫-૧૧; ૯:૧૬, ૧૭.

 એસ્તેર પાસેથી આપણે શું શીખી શકીએ? એસ્તેર રાણી ઘણી નમ્ર હતી અને તેણે હિંમતથી કામ લીધું. (ગીતશાસ્ત્ર ૩૧:૨૪; ફિલિપીઓ ૨:૩) તે રાણી હતી અને ઘણી રૂપાળી હતી. પણ તેણે ક્યારેય એ વાતનું ઘમંડ કર્યું નહિ. તે તો મોર્દખાય પાસે સલાહ અને મદદ લેતી. પોતાના પતિ સાથે તે સમજી-વિચારીને, હિંમતથી અને આદરથી વાત કરતી. જ્યારે બધા યહૂદીઓનું જીવન જોખમમાં હતું ત્યારે તેણે હિંમતથી પતિને જણાવ્યું કે પોતે પણ એક યહૂદી છે.

 દબોરાહ

  દબોરાહ કોણ હતી? તે પ્રબોધિકા હતી. ઇઝરાયેલના ઈશ્વર યહોવા પોતાના લોકો પાસેથી જે ચાહતા એ તેઓને દબોરાહ દ્વારા જણાવતા. ઈશ્વરે તેને લોકોનો ન્યાય કરવાની પણ જવાબદારી સોંપી હતી.—ન્યાયાધીશો ૪:૪, ૫.

 તેણે શું કર્યું? દબોરાહે ઈશ્વરના લોકોનો હિંમતથી સાથ આપ્યો. ઈશ્વરની આજ્ઞા પ્રમાણે દબોરાહે બારાકને કહ્યું કે ઇઝરાયેલની સેના લઈને કનાનીઓ સામે યુદ્ધ કરે. કારણ કે કનાનીઓ ઇઝરાયેલીઓ પર જુલમ ગુજારતા હતા. (ન્યાયાધીશો ૪:૬, ૭) જ્યારે બારાકે દબોરાહને પોતાની સાથે આવવાનું કહ્યું, ત્યારે તે ડરી નહિ પણ તેમની સાથે ગઈ.—ન્યાયાધીશો ૪:૮, ૯.

 ઈશ્વરે ઇઝરાયેલીઓને મોટી જીત અપાવી. એ જીતની ખુશીમાં દબોરાહ અને બારાકે એક ગીત ગાયું. ગીતના અમુક બોલ દબોરાહે લખ્યા હતા. એ ગીતમાં તેણે યાએલ અને બીજી સ્ત્રીઓ વિશે પણ જણાવ્યું, જેઓએ કનાનીઓને હરાવવામાં મદદ કરી હતી.—ન્યાયાધીશો અધ્યાય ૫.

 દબોરાહ પાસેથી આપણે શું શીખી શકીએ? દબોરાહને જીવનું જોખમ હતું તોપણ તેણે હિંમતથી એ કામ કર્યું. યહોવાની નજરે જે ખરું હતું એ કરવા તેણે બીજાઓની પણ હિંમત બંધાવી. જ્યારે લોકોએ એમ કર્યું, ત્યારે તેણે તેઓના દિલ ખોલીને વખાણ કર્યા.

  દલીલાહ

 દલીલાહ કોણ હતી? ઇઝરાયેલના ન્યાયાધીશ સામસૂનને દલીલાહ સાથે પ્રેમ થઈ ગયો હતો.—ન્યાયાધીશો ૧૬:૪, ૫.

 તેણે શું કર્યું? તેણે સામસૂન સાથે દગો કર્યો. ઇઝરાયેલીઓને યહોવા સામસૂન દ્વારા પલિસ્તીઓથી છોડાવતા હતા. પલિસ્તીઓ સામસૂનને પકડી શકતા ન હતા. કારણ કે ઈશ્વરે સામસૂનને એવી શક્તિ આપી હતી જે સામાન્ય માણસોમાં ન હોય. (ન્યાયાધીશો ૧૩:૫) એટલે પલિસ્તીઓના આગેવાનોએ દલીલાહને કહ્યું કે જો તે સામસૂનને પકડવામાં મદદ કરે તો તેઓ તેને પૈસા આપશે. એટલે દલીલાહે તેઓને હા પાડી.

 પલિસ્તીઓએ દલીલાહને કહ્યું કે સામસૂન પાસે એટલી તાકાત ક્યાંથી આવી એની તપાસ કરે. દલીલાહ પૈસાની લાલચમાં આવી ગઈ અને એ જાણવા સામસૂનની પાછળ પડી ગઈ. આખરે એ વાત તેણે સામસૂન પાસેથી કઢાવી લીધી. (ન્યાયાધીશો ૧૬:૧૫-૧૭) પછી તેણે જઈને એ વાત પલિસ્તીઓને જણાવી દીધી. એટલે પલિસ્તીઓએ આવીને સામસૂનને પકડીને જેલમાં નાખી દીધા.—ન્યાયાધીશો ૧૬:૧૮-૨૧.

  દલીલાહ પાસેથી આપણે શું શીખી શકીએ? દલીલાહ લાલચુ હતી. તેને પૈસાનો મોહ હતો એટલે તેણે ઈશ્વરભક્ત સામસૂનને દગો દીધો.

 મરિયમ (ઈસુની મા)

 મરિયમ કોણ હતી? તે યુવાન યહુદી સ્ત્રી હતી. તે ઈશ્વરના ચમત્કારથી લગ્‍ન પહેલાં ગર્ભવતી થઈ અને તેણે ઈશ્વરના દીકરા ઈસુને જન્મ આપ્યો.

 તેણે શું કર્યું? તેણે નમ્ર બનીને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કર્યું. એક સ્વર્ગદૂતે તેને જણાવ્યું કે તે ગર્ભવતી થશે અને મસીહને જન્મ આપશે. એ સમયે મરિયમના લગ્‍ન થયા ન હતા, પણ યુસફ સાથે તેની સગાઈ થઈ હતી. (લૂક ૧:૨૬-૩૩) તેમ છતાં તેણે કહ્યું કે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે થાય. ઈસુના જન્મ પછી યુસફ અને મરિયમને બીજાં બાળકો પણ થયાં. બાઇબલમાં તેઓનાં ચાર દીકરા અને બે દીકરી વિશે જણાવ્યું છે. એ બતાવે છે કે મરિયમ આજીવન કુંવારી ન હતી. (માથ્થી ૧૩:૫૫, ૫૬) ઈસુને જન્મ આપવાનો તેને લહાવો મળ્યો હતો. પણ તેણે ક્યારેય લોકો પાસેથી વાહવાહ મેળવવાનો પ્રયત્ન કર્યો નહિ. લોકોએ પણ તેની વાહવાહ કરી ન હતી. ઈસુ ધરતી પર હતા ત્યારે અને પછીથી મંડળ બન્યું ત્યારે પણ, મરિયમે ખાસ બનવાનો પ્રયત્ન કર્યો નહિ.

 મરિયમ પાસેથી આપણે શું શીખી શકીએ? મરિયમ ઈશ્વરની વફાદાર ભક્ત હતી. ઈશ્વરે તેને ઈસુની માતા બનવાની મોટી જવાબદારી આપી ત્યારે તેણે ખુશી ખુશી સ્વીકારી. તે શાસ્ત્રની પણ સારી જાણકાર હતી. લૂક ૧:૪૬-૫૫માં મરિયમના અમુક શબ્દો લખવામાં આવ્યા છે. એ કલમોમાં તેણે ઓછામાં ઓછા ૨૦ વખત શાસ્ત્રમાં લખેલી વાતો જણાવી.

 મરિયમ (માર્થા અને લાજરસની બહેન)

  મરિયમ કોણ હતી? તે માર્થા અને લાજરસની બહેન હતી. તેઓ ત્રણેય ઈસુના ખાસ મિત્રો હતા.

 તેણે શું કર્યું? તેને ભરોસો હતો કે ઈસુ જ ઈશ્વરના દીકરા છે. તેને ઈસુ માટે ઘણો આદર હતો. તેને શ્રદ્ધા હતી કે જો ઈસુ ત્યાં હોત તો તેના ભાઈ લાજરસનું મરણ થયું ન હોત. ઈસુએ લાજરસને પાછા ઉઠાડ્યા ત્યારે મરિયમ ત્યાં હાજર હતી. એક વાર માર્થાને ઘરના કામમાં મદદ કરવાને બદલે મરિયમ ઈસુની વાતો સાંભળવા બેસી ગઈ. માર્થાને એ ન ગમ્યું એટલે તે મરિયમની ફરિયાદ કરવા લાગી. પણ ઈસુએ મરિયમના વખાણ કર્યા, કારણ કે મરિયમે ઈશ્વરની વાતોને વધારે મહત્ત્વ આપ્યું હતું.—લૂક ૧૦:૩૮-૪૨.

 એક વાર મરિયમે ઈસુની મહેમાનગતિ કરવામાં ઘણા પૈસા ખર્ચ્યા. તે “કીમતી, સુગંધી તેલ” લાવી અને આખી બોટલ ઈસુના માથા અને પગ પર રેડી દીધી. (માથ્થી ૨૬:૬, ૭) એ સમયે લોકોએ કહ્યું કે મરિયમે ખોટા પૈસા બગાડ્યા છે. પણ ઈસુએ મરિયમનો પક્ષ લીધો અને કહ્યું: “આખી દુનિયામાં જ્યાં પણ [ઈશ્વરના રાજ્યની] ખુશખબર જણાવવામાં આવશે, ત્યાં આ સ્ત્રીએ જે કર્યું છે એ પણ તેની યાદગીરીમાં કહેવામાં આવશે.”—માથ્થી ૨૪:૧૪; ૨૬:૮-૧૩.

 મરિયમ પાસેથી આપણે શું શીખી શકીએ? તેની શ્રદ્ધા મજબૂત હતી. તેણે બીજી બધી બાબતો કરતાં ઈશ્વરભક્તિને વધારે મહત્ત્વ આપ્યું. ઈસુ માટે તેને ઘણો આદર હતો. એ માટે તેણે ઘણા પૈસા ખર્ચ્યા.

 મરિયમ (મૂસા અને હારુનની બહેન)

  મરિયમ કોણ હતી? તે મૂસા અને હારુનની બહેન હતી. મરિયમ પહેલી સ્ત્રી છે જેને બાઇબલમાં પ્રબોધિકા કહેવામાં આવી છે.

 તેણે શું કર્યું? એક પ્રબોધિકા હોવાથી તે લોકોને ઈશ્વરનો સંદેશો જણાવતી. ઇઝરાયેલીઓ તેને ખૂબ માન આપતા. લાલ સમુદ્રમાં ઇજિપ્તના સૈન્યનો નાશ થયા પછી પુરુષો વિજય ગીતો ગાવા લાગ્યા. એ સમયે મરિયમે પણ તેઓની સાથે ગીત ગાયું.—નિર્ગમન ૧૫:૧, ૨૦, ૨૧.

 થોડા સમય પછી મૂસા વિરુદ્ધ મરિયમ અને હારુન કચકચ કરવાં લાગ્યાં. કદાચ તેઓમાં ઘમંડ અને ઈર્ષા આવી ગયા હતા. તેઓ મૂસા વિરુદ્ધ બોલતા હતા ત્યારે “યહોવા એ બધું સાંભળતા હતા.” (ગણના ૧૨:૧-૯) તેમણે મરિયમ અને હારુનને ખખડાવ્યાં. યહોવાએ મરિયમને રક્તપિત્તની સજા કરી, કારણ કે મૂસા વિરુદ્ધ કચકચ કરવામાં મરિયમે શરૂઆત કરી હતી. મરિયમને સાજી કરવા મૂસાએ યહોવાને વિનંતી કરી ત્યારે યહોવાએ તેને સાજી કરી. રક્તપિત્તના કારણે મરિયમે સાત દિવસ ઇઝરાયેલીઓની છાવણીની બહાર અલગ રહેવું પડ્યું. એ પછી તે છાવણીમાં પાછી આવી શકી.—ગણના ૧૨:૧૦-૧૫.

 જ્યારે ઈશ્વરે મરિયમને સજા કરી ત્યારે તેણે પોતાની ભૂલ સ્વીકારી. એ શા પરથી કહી શકાય? વર્ષો પછી યહોવાએ ઇઝરાયેલીઓને એક વાત યાદ અપાવી એમાં મરિયમને મળેલા લહાવા વિશે જણાવ્યું. તેમણે કહ્યું: “મેં તમારી પાસે મૂસા, હારુન અને મરિયમને મોકલ્યાં.”—મીખાહ ૬:૪.

 મરિયમ પાસેથી આપણે શું શીખી શકીએ? મરિયમના દાખલામાંથી શીખી શકીએ કે ઈશ્વરભક્તો એકબીજા સાથે કે એકબીજા વિરુદ્ધ વાત કરતા હોય ત્યારે, યહોવા ધ્યાનથી સાંભળે છે. એ પણ શીખવા મળે છે કે આપણે ઘમંડ અને ઈર્ષાથી દૂર રહીશું તો બીજાઓનું નામ ખરાબ નહિ કરીએ.

  મરિયમ માગદાલેણ

 મરિયમ માગદાલેણ કોણ હતી? તે ઈસુની વફાદાર શિષ્યા હતી.

 તેણે શું કર્યું? ઈસુ અને તેમના શિષ્યો દૂર દૂર મુસાફરી કરતા. તેઓ સાથે અમુક સ્ત્રીઓ જતી, જેમાં મરિયમ માગદાલેણ પણ હતી. તેણે પોતાના ખર્ચે ઈસુ અને તેમના શિષ્યોની ખાવા-પીવાની જરૂરિયાતો પૂરી કરી. (લૂક ૮:૧-૩) ઈસુએ ધરતી પર જેટલો સમય સેવા કરી, એ દરમિયાન મરિયમે તેમનો સાથ આપ્યો. જ્યારે ઈસુને મારી નાખવામાં આવ્યા, ત્યારે પણ તે ત્યાં જ હતી. ઈસુને પાછા જીવતા કરવામાં આવ્યા ત્યારે તેમને સૌથી પહેલા જોવાનો અમુકને લહાવો મળ્યો હતો. તેઓમાં મરિયમ માગદાલેણ પણ હતી.—યોહાન ૨૦:૧૧-૧૮.

 મરિયમ માગદાલેણ પાસેથી આપણે શું શીખી શકીએ? તેણે ઈસુ માટે ખુલ્લા દિલથી પૈસા ખર્ચ્યા, જેથી ઈસુ પોતાની સેવા સારી રીતે કરી શકે. તેણે હંમેશાં ઈસુને સાથ આપ્યો.

 માર્થા

 માર્થા કોણ હતી? તે લાજરસ અને મરિયમની બહેન હતી. એ ત્રણેય ભાઈ-બહેન યરૂશાલેમ નજીક આવેલા બેથનિયા ગામમાં રહેતાં હતાં.

 તેણે શું કર્યું? માર્થા, તેની બહેન અને તેનો ભાઈ લાજરસ ઈસુના બહુ સારા મિત્રો હતા. ઈસુ એ ત્રણેયને ખૂબ પ્રેમ કરતા. (યોહાન ૧૧:૫) માર્થા મહેમાનોની સરસ આગતાસ્વાગતા કરતી. એક વાર ઈસુ તેમના ઘરે આવ્યા ત્યારે માર્થા ઘણી તૈયારીઓમાં લાગી ગઈ. પણ મરિયમ ઈસુના પગ પાસે બેસીને તેમની વાતો સાંભળવા લાગી. માર્થાએ ઈસુને ફરિયાદ કરી કે મરિયમ તેની મદદ કરતી નથી. ઈસુએ માર્થાને પ્રેમથી સમજાવ્યું કે મરિયમ જે કરી રહી છે એ બરાબર છે.—લૂક ૧૦:૩૮-૪૨.

  લાજરસ બીમાર હતા ત્યારે માર્થા અને તેની બહેને ઈસુને બોલાવવા કોઈને મોકલ્યા. તેઓને પૂરી શ્રદ્ધા હતી કે ઈસુ લાજરસને સાજો કરી શકે છે. (યોહાન ૧૧:૩, ૨૧) પણ લાજરસ મરણ પામ્યા. એ સમયે માર્થાને પૂરી ખાતરી હતી કે ભવિષ્યમાં તેનો ભાઈ ચોક્કસ પાછો જીવતો થશે. તેને એ પણ ભરોસો હતો કે ઈસુ હમણાં જ તેના ભાઈને જીવતો કરી શકે છે.—યોહાન ૧૧:૨૦-૨૭.

 માર્થા પાસેથી આપણે શું શીખી શકીએ? તેને મહેમાનગતિ કરવું બહુ ગમતું. ઈસુએ સલાહ આપી ત્યારે તેણે સ્વીકારી અને તરત પોતાના વિચારો બદલ્યા. તે દિલ ખોલીને પોતાના મનની વાત જણાવતી. તે પોતાની શ્રદ્ધા વિશે જણાવતા ક્યારેય અચકાતી નહિ.

 યાએલ

 યાએલ કોણ હતી? તે હેબેરની પત્ની હતી. હેબેર ઇઝરાયેલી ન હતો. યાએલે ઈશ્વરના લોકોની મદદ કરવા હિંમત બતાવી.

 તેણે શું કર્યું? જ્યારે કનાનીઓનો સેનાપતિ સિસરા, ઇઝરાયેલીઓ સામે યુદ્ધ હારી ગયો ત્યારે તે સંતાવા યાએલના તંબુ પાસે આવ્યો. એ સમયે યાએલે સમજદારી બતાવી અને સિસરાને પોતાના તંબૂમાં આરામ કરવા બોલાવ્યો. જ્યારે તે ઊંઘતો હતો ત્યારે યાએલે તેને મારી નાખ્યો.—ન્યાયાધીશો ૪:૧૭-૨૧.

  યાએલે જે કર્યું એનાથી દબોરાહની ભવિષ્યવાણી સાચી પડી. તેણે કહ્યું હતું: “યહોવા એક સ્ત્રીના હાથમાં સીસરાને સોંપી દેશે.” (ન્યાયાધીશો ૪:૯) તેના વખાણ કરતા કહેવામાં આવ્યું છે, “યાએલ બધી સ્ત્રીઓમાં ધન્ય છે.”—ન્યાયાધીશો ૫:૨૪.

 યાએલ પાસેથી આપણે શું શીખી શકીએ? યાએલે પહેલ કરી અને હિંમત બતાવી. તેના દાખલામાંથી શીખવા મળે છે કે યહોવા પોતાની ભવિષ્યવાણી કોઈ પણ રીતે પૂરી કરાવી શકે છે.

 રાહાબ

 રાહાબ કોણ હતી? તે એક વેશ્યા હતી. તે કનાનીઓના શહેર યરીખોમાં રહેતી હતી. તેણે જૂઠ્ઠી ભક્તિ છોડી દીધી અને યહોવાની ભક્ત બની.

 તેણે શું કર્યું? તેણે બે ઇઝરાયેલીઓને સંતાડ્યા હતા જેઓ કનાન દેશની જાસૂસી કરવા આવ્યા હતા. તેણે સાંભળ્યું હતું કે યહોવાએ ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી છોડાવ્યા હતા અને પછી અમોરીઓથી બચાવ્યા હતા. એટલે તેણે એ જાસૂસોની મદદ કરી.

  રાહાબે જાસૂસોને મદદ કર્યા પછી વિનંતી કરી કે તેઓ યરીખોનો નાશ કરે ત્યારે, તેને અને તેના કુટુંબને બચાવે. જાસૂસોએ રાહાબને હા પાડી પણ આ શરતો મૂકી: તેણે કોઈને કહેવું નહિ કે તેઓ જાસૂસી કરવા આવ્યા હતા, ઇઝરાયેલીઓ હુમલો કરવા આવે ત્યારે તેણે અને તેના કુટુંબે ઘરમાં જ રહેવું, તેણે પોતાના ઘરની બારીમાં એક લાલ રંગનું દોરડું બાંધવું જેથી તેઓ તેના ઘરને ઓળખી શકે. રાહાબે જાસૂસોની દરેક વાત માની એટલે તે અને તેનું કુટુંબ બચી શક્યા.

 પછીથી રાહાબે એક ઇઝરાયેલી માણસ સાથે લગ્‍ન કર્યા. તેને દાઉદ રાજા અને ઈસુ ખ્રિસ્તના પૂર્વજ બનવાનો લહાવો મળ્યો.—યહોશુઆ ૨:૧-૨૪; ૬:૨૫; માથ્થી ૧:૫, ૬, ૧૬.

 રાહાબ પાસેથી આપણે શું શીખી શકીએ? શાસ્ત્રમાં જણાવ્યું છે કે રાહાબે શ્રદ્ધાનો સુંદર દાખલો બેસાડ્યો. (હિબ્રૂઓ ૧૧:૩૦, ૩૧; યાકૂબ ૨:૨૫) તેના દાખલામાંથી જાણવા મળે છે કે જેઓ ખોટું કામ કરવાનું છોડી દે છે, તેઓને યહોવા માફ કરે છે. એ પણ શીખવા મળે છે કે યહોવા ભેદભાવ રાખતા નથી. એક વ્યક્તિ ભલે કોઈ પણ દેશ કે ભાષાની હોય, પણ યહોવામાં શ્રદ્ધા રાખે તો યહોવા ચોક્કસ તેને બચાવે છે.

 રાહેલ

  રાહેલ કોણ હતી? તે લાબાનની દીકરી અને યાકૂબની સૌથી વહાલી પત્ની હતી.

 તેણે શું કર્યું? યાકૂબથી તેને બે દીકરા થયા. એ બંને ઇઝરાયેલના ૧૨ કુળોમાંથી બે કુળના મુખી બન્યા. રાહેલ તેના પિતાના ઘેટાં ચરાવતી હતી ત્યારે પહેલી વાર યાકૂબને મળી. (ઉત્પત્તિ ૨૯:૯, ૧૦) તે તેની મોટી બહેન લેઆહ કરતાં “ખૂબ સુંદર અને દેખાવડી હતી.”—ઉત્પત્તિ ૨૯:૧૭.

 યાકૂબ રાહેલને પ્રેમ કરવા લાગ્યો. તે રાહેલ સાથે લગ્‍ન કરવા સાત વર્ષ કામ કરવા રાજી થઈ ગયો. (ઉત્પત્તિ ૨૯:૧૮) પણ લાબાને યાકૂબને છેતરીને તેના લગ્‍ન પોતાની મોટી દીકરી લેઆહ સાથે કરાવી દીધા. લાબાને રાહેલના લગ્‍ન પણ યાકૂબ સાથે કરાવ્યા.—ઉત્પત્તિ ૨૯:૨૫-૨૭.

 યાકૂબ, રાહેલ અને તેના બંને દીકરાઓને, લેઆહ અને તેનાં બાળકો કરતાં વધારે ચાહતા હતા. (ઉત્પત્તિ ૩૭:૩; ૪૪:૨૦, ૨૭-૨૯) એટલે રાહેલ અને લેઆહ વચ્ચે ઝગડા થતા રહેતા.—ઉત્પત્તિ ૨૯:૩૦; ૩૦:૧, ૧૫.

  રાહેલ પાસેથી આપણે શું શીખી શકીએ? રાહેલના કુટુંબમાં કોઈને કોઈ મુશ્કેલી રહેતી. પણ તેને ભરોસો હતો કે ઈશ્વર તેની પ્રાર્થનાઓ સાંભળશે. (ઉત્પત્તિ ૩૦:૨૨-૨૪) તેના દાખલામાંથી શીખવા મળે છે કે એક કરતાં વધારે લગ્‍ન કરવાથી કુટુંબની શાંતિ છીનવાઈ જાય છે. જોકે એ સમયે ઈશ્વરે પોતાના ભક્તોને એક કરતાં વધુ લગ્‍ન કરવાની છૂટ આપી હતી. પણ શરૂઆતથી તેમનો નિયમ હતો કે એક પુરુષની એક જ પત્ની હોય.—માથ્થી ૧૯:૪-૬.

 રિબકા

 રિબકા કોણ હતી? તે ઇસહાકની પત્ની હતી. તેઓને બે જોડિયા દીકરા હતા, યાકૂબ અને એસાવ.

 તેણે શું કર્યું? રિબકાએ હંમેશાં ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કર્યું, અરે અઘરા સંજોગોમાં પણ. એક વાર તે કૂવામાંથી પાણી ભરી રહી હતી ત્યારે, એક માણસે તેની પાસે પીવા માટે થોડું પાણી માંગ્યું. રિબકાએ તરત જ એ માણસને પાણી પાયું અને તેના ઊંટોને પણ પાયું. (ઉત્પત્તિ ૨૪:૧૫-૨૦) એ માણસ ઇબ્રાહિમનો ચાકર હતો. તે ઇસહાક માટે છોકરી શોધવા ઘણે દૂરથી આવ્યો હતો. (ઉત્પત્તિ ૨૪:૨-૪) તેણે ઈશ્વરને પ્રાર્થના પણ કરી હતી કે તેને યોગ્ય છોકરી શોધવા મદદ કરે. તેણે જોયું કે રિબકા મહેનતુ અને આગતાસ્વાગતા કરવામાં કુશળ છે ત્યારે, તે સમજી ગયો કે ઈશ્વરે તેની પ્રાર્થના સાંભળી છે. ઈશ્વર એક રીતે તેને જણાવી રહ્યા હતા કે ઇસહાક માટે તેમની પસંદ રિબકા છે.—ઉત્પત્તિ ૨૪:૧૦-૧૪, ૨૧, ૨૭.

  રિબકાને જાણ થઈ કે ઇબ્રાહિમનો ચાકર તેને ઇસહાકની પત્ની બનાવવા માંગે છે. રિબકાએ આનાકાની કરી નહિ પણ તેની સાથે જવા તૈયાર થઈ ગઈ. (ઉત્પત્તિ ૨૪:૫૭-૫૯) સમય જતાં રિબકાને બે જોડિયા દીકરા થયા. યહોવાએ રિબકાને જણાવ્યું કે તેનો મોટો દીકરો એસાવ, તેના નાના દીકરા યાકૂબની સેવા કરશે. (ઉત્પત્તિ ૨૫:૨૩) ઇસહાક પ્રથમ જન્મેલા દીકરાનો આશીર્વાદ એસાવને આપવાના હતા. એ આશીર્વાદ યાકૂબને મળે માટે રિબકાએ પગલાં ભર્યાં. કારણ કે તે જાણતી હતી કે ઈશ્વર ચાહે છે કે એ આશીર્વાદ યાકૂબને મળે.—ઉત્પત્તિ ૨૭:૧-૧૭.

 રિબકા પાસેથી શું શીખી શકીએ? રિબકા મહેનત કરવામાં ક્યારેય પાછી પાની કરતી નહિ. તે મર્યાદામાં રહેતી અને મહેમાનગતી બતાવવામાં કુશળ હતી. એવા ગુણોના કારણે તે એક પત્ની અને મા તરીકેની જવાબદારીઓ સારી રીતે પૂરી કરી શકી. એટલું જ નહિ, એ ગુણોથી તે ઈશ્વરની ભક્તિ પણ સારી રીતે કરી શકી.

 રૂથ

 રૂથ કોણ હતી? તે એક મોઆબી સ્ત્રી હતી. તેણે પોતાના દેવી-દેવતાઓ અને દેશ છોડી દીધા. યહોવાની ભક્તિ કરવા તે ઇઝરાયેલ આવી.

 તેણે શું કર્યું? તે પોતાની સાસુ નાઓમીને ખૂબ પ્રેમ કરતી. એટલે તેણે પોતાની સાસુ માટે ઘણું જતું કર્યું. વર્ષો પહેલાં ઇઝરાયેલમાં દુકાળ પડ્યો ત્યારે નાઓમી પોતાના પતિ અને બે દીકરાઓ સાથે મોઆબ રહેવા ગઈ. સમય જતાં તેના દીકરાઓએ મોઆબી સ્ત્રીઓ સાથે લગ્‍ન કર્યાં, જેઓના નામ હતા રૂથ અને ઓર્પાહ. નાઓમીના પતિ અને બંને દીકરાઓના મરણ પછી ત્રણેય સ્ત્રીઓ વિધવા થઈ ગઈ.

 નાઓમીએ ઇઝરાયેલ પાછા જવાનું નક્કી કર્યું, જ્યાં હવે દુકાળ ન હતો. રૂથ અને ઓર્પાહ પણ તેની સાથે જવા માંગતા હતા. પણ નાઓમીએ તેઓને પોતાના સગાંવહાલાઓ પાસે પાછા જવાનું કહ્યું. એટલે ઓર્પાહ જતી રહી. (રૂથ ૧:૧-૬, ૧૫) પણ રૂથે નાઓમીનો સાથ છોડ્યો નહિ. તે પોતાની સાસુને ખૂબ પ્રેમ કરતી હતી. તે નાઓમીના ઈશ્વર યહોવાની ભક્તિ કરવા માંગતી હતી.—રૂથ ૧:૧૬, ૧૭; ૨:૧૧.

 નાઓમીના વતન બેથલેહેમમાં રૂથ પણ તેની સાથે ગઈ. તે ખૂબ મહેનતુ હતી અને પોતાની સાસુની સારી સંભાળ રાખતી. એટલે લોકો તેને માન આપતા. બોઆઝ એક જમીનદાર હતા. તેમને રૂથનો સ્વભાવ ખૂબ ગમ્યો. તેમણે રૂથ અને નાઓમી માટે ઘણું અનાજ આપ્યું. (રૂથ ૨:૫-૭, ૨૦) પછીથી બોઆઝે રૂથ સાથે લગ્‍ન કર્યાં. તે દાઉદ રાજા અને ઈસુ ખ્રિસ્તની પૂર્વજ બની.—માથ્થી ૧:૫, ૬, ૧૬.

  રૂથ પાસેથી આપણે શું શીખી શકીએ? રૂથ પોતાની સાસુ નાઓમી અને યહોવાને ખૂબ પ્રેમ કરતી હતી. તેઓ માટે તેણે ખુશીથી પોતાનો દેશ અને સગાંવહાલાઓ છોડી દીધા. તે ઘણી મહેનતુ અને વફાદાર હતી. તેણે અઘરા સંજોગોમાં પણ નાઓમી અને યહોવાનો સાથ છોડ્યો નહિ.

 લેઆહ

 લેઆહ કોણ હતી? લેઆહ યાકૂબની પહેલી પત્ની હતી. તેની નાની બહેન રાહેલ યાકૂબની બીજી પત્ની હતી.—ઉત્પત્તિ ૨૯:૨૦-૨૯.

 તેણે શું કર્યું? લેઆહ છ દીકરાઓની માતા હતી. (રૂથ ૪:૧૧) યાકૂબ રાહેલ સાથે લગ્‍ન કરવા માંગતો હતો. પણ લેઆહના પિતા લાબાને યાકૂબને છેતરીને તેનું લગ્‍ન લેઆહ સાથે કરાવી દીધું. યાકૂબે એ વિશે પૂછ્યું ત્યારે લાબાને કહ્યું કે તેમને ત્યાં પહેલા મોટી દીકરીના લગ્‍ન કરાવવાનો રિવાજ છે. એક અઠવાડિયા પછી યાકૂબે રાહેલ સાથે પણ લગ્‍ન કર્યા.—ઉત્પત્તિ ૨૯:૨૬-૨૮.

 યાકૂબ લેઆહ કરતાં રાહેલને વધારે પ્રેમ કરતા. (ઉત્પત્તિ ૨૯:૩૦) એટલે લેઆહ રાહેલની ઈર્ષા કરતી. લેઆહ પ્રયત્ન કરતી કે તેને યાકૂબનો પ્રેમ વધારે મળે. લેઆહ પર જે વીતી રહ્યું હતું એ ઈશ્વરના ધ્યાન બહાર ગયું નહિ. ઈશ્વરે તેને સાત બાળકોનો આશીર્વાદ આપ્યો, એક દીકરી અને છ દીકરાઓ.—ઉત્પત્તિ ૨૯:૩૧.

 લેઆહ પાસેથી આપણે શું શીખી શકીએ? લેઆહના કુટુંબમાં કોઈને કોઈ મુશ્કેલી તો રહેતી. પણ તેને ભરોસો હતો કે ઈશ્વર તેની મદદ કરશે એટલે તે પ્રાર્થના કરતી. (ઉત્પત્તિ ૨૯:૩૨-૩૫; ૩૦:૨૦) તેના દાખલામાંથી શીખવા મળે છે કે એક કરતાં વધારે લગ્‍ન કરવાથી કુટુંબની શાંતિ છીનવાઈ જાય છે. જોકે એ સમયે ઈશ્વરે પોતાના ભક્તોને એક કરતાં વધુ લગ્‍ન કરવાની છૂટ આપી હતી. પણ શરૂઆતથી તેમનો નિયમ હતો કે એક પુરુષની એક જ પત્ની હોય.—માથ્થી ૧૯:૪-૬.

 લોતની પત્ની

 લોતની પત્ની કોણ હતી? બાઇબલમાં તેનું નામ આપ્યું નથી. પણ બાઇબલમાં એ જણાવ્યું છે કે તેને બે દીકરીઓ હતી. તેનું કુટુંબ સદોમ શહેરમાં રહેતું હતું અને ત્યાં તેઓનું ઘર હતું.—ઉત્પત્તિ ૧૯:૧, ૧૫.

 તેણે શું કર્યું? તેણે ઈશ્વરની આજ્ઞા પાળી નહિ. ઈશ્વરે સદોમ અને એની આસપાસના શહેરોનો નાશ કરવાનું નક્કી કર્યું હતું. કારણ કે ત્યાંના લોકો વ્યભિચાર જેવાં ગંદાં કામોમાં ડૂબેલા હતા. પણ લોત સારા વ્યક્તિ હતા. યહોવા તેમને અને તેમના કુટુંબને પ્રેમ કરતા હતા. એટલે યહોવાએ તેઓને બચાવવા બે સ્વર્ગદૂત મોકલ્યા.—ઉત્પત્તિ ૧૮:૨૦; ૧૯:૧, ૧૨, ૧૩.

 સ્વર્ગદૂતોએ લોત અને તેના કુટુંબને કહ્યું કે તેઓ સદોમ અને એની આસપાસનો વિસ્તાર છોડીને દૂર ભાગી જાય અને પાછળ ફરીને ન જુએ. જો તેઓ પાછળ જોશે તો માર્યા જશે. (ઉત્પત્તિ ૧૯:૧૭) તેમ છતાં લોતની પત્નીએ “પાછળ વળીને જોયું અને તે મીઠાનો થાંભલો બની ગઈ.”—ઉત્પત્તિ ૧૯:૨૬.

  લોતની પત્ની પાસેથી આપણે શું શીખી શકીએ? જો આપણે ધનદોલતનો મોહ રાખીશું અને ઈશ્વરની આજ્ઞા નહિ પાળીએ તો એનું ખરાબ પરિણામ આવશે. ઈસુએ પણ કહ્યું હતું કે લોતની પત્નીના દાખલામાંથી શીખીએ. તેમણે કહ્યું હતું: “લોતની પત્નીને યાદ રાખો.”—લૂક ૧૭:૩૨.

 શૂલ્લામી સ્ત્રી

 શૂલ્લામી સ્ત્રી કોણ હતી? શૂલ્લામી સ્ત્રી ગામડામાં રહેતી હતી અને તે રૂપ રૂપનો અંબાર હતી. બાઇબલમાં ગીતોનું ગીત પુસ્તકમાં તેના વિશે જણાવ્યું છે, પણ એમાં તેનું નામ આપ્યું નથી.

 તેણે શું કર્યું? શૂલ્લામી સ્ત્રી એક ઘેટાંપાળકને પ્રેમ કરતી હતી અને તેને વફાદાર હતી. (ગીતોનું ગીત ૨:૧૬) ધનવાન રાજા સુલેમાને જોયું કે એ સ્ત્રી ખૂબ જ સુંદર છે. એટલે તેમણે એ સ્ત્રીનું દિલ જીતવાનો પ્રયત્ન કર્યો. (ગીતોનું ગીત ૭:૬) ઘણા લોકોએ તેને રાજા સુલેમાનને પસંદ કરવાનું કહ્યું, પણ તે માની નહિ. તે એક ગરીબ ઘેટાંપાળકને પ્રેમ કરતી હતી અને તેને વફાદાર રહી.—ગીતોનું ગીત ૩:૫; ૭:૧૦; ૮:૬.

 શૂલ્લામી સ્ત્રી પાસેથી આપણે શું શીખી શકીએ? શૂલ્લામી સ્ત્રી ખૂબ જ સુંદર હતી. લોકો તેના વખાણ કરતા પણ તેણે ક્યારેય ઘમંડ કર્યું નહિ. તે લોકોની વાતોમાં આવી ગઈ નહિ. તેણે ઘણા પૈસા મેળવવાનો અને જાણીતા થવાનો મોકો જતો કર્યો. કારણ કે તે ઘેટાંપાળકને વફાદાર રહેવા માંગતી હતી. તેણે પોતાના પર કાબૂ રાખ્યો અને પોતાનું ચારિત્ર શુદ્ધ રાખ્યું.

 સારાહ

 સારાહ કોણ હતી? સારાહ ઇબ્રાહિમની પત્ની અને ઇસહાકની માતા હતી.

  તેણે શું કર્યું? સારાહ ઉર દેશમાં રહેતી હતી. એ દેશમાં કોઈ વસ્તુની ખોટ ન હતી. ઈશ્વરે તેના પતિ ઇબ્રાહિમને ઉર દેશ છોડીને કનાન દેશ જવાનું કહ્યું. ઈશ્વરે ઇબ્રાહિમને વચન આપ્યું હતું કે તેમને આશીર્વાદ આપશે અને તેમના વંશમાંથી મોટી પ્રજા બનશે. (ઉત્પત્તિ ૧૨:૧-૫) સારાહને ભરોસો હતો કે ઈશ્વર પોતાનું વચન જરૂર પૂરું કરશે. એટલે તેમણે પોતાના પતિ સાથે ઉર દેશ છોડ્યો. એ સમયે સારાહની ઉંમર ૬૦ કરતાં વધારે હતી. ઉર દેશ છોડ્યા પછી તેઓ અલગ અલગ જગ્યાએ જતા અને તંબુઓમાં રહેતા.

 તંબૂમાં રહેવાને લીધે સારાહે ઘણાં જોખમોનો સામનો કરવો પડ્યો. તેમ છતાં તેણે ઇબ્રાહિમને સાથ આપ્યો, જેથી તે ઈશ્વરના માર્ગદર્શન પ્રમાણે ચાલી શક્યા. (ઉત્પત્તિ ૧૨:૧૦, ૧૫) ઘણાં વર્ષો સુધી સારાહને કોઈ બાળક ન હતું, એટલે તે ઘણી દુઃખી રહેતી. પણ ઈશ્વરે વચન આપ્યું હતું કે તે ઇબ્રાહિમના વંશજને આશીર્વાદ આપશે. (ઉત્પત્તિ ૧૨:૭; ૧૩:૧૫; ૧૫:૧૮; ૧૬:૧, ૨, ૧૫) સમય જતાં ઈશ્વરે વચન આપ્યું કે ઇબ્રાહિમથી સારાહને બાળક થશે અને એવું જ થયું. જોકે બાળકને જન્મ આપવાની સારાહની ઉંમર વીતી ગઈ હતી, તેમ છતાં તેઓને એક બાળક જન્મ્યું. એ સમયે તે ૯૦ વર્ષની અને ઇબ્રાહિમ ૧૦૦ વર્ષના હતા. (ઉત્પત્તિ ૧૭:૧૭; ૨૧:૨-૫) તેઓએ પોતાના બાળકનું નામ ઇસહાક પડ્યું.

 સારાહ પાસેથી આપણે શું શીખી શકીએ? ઈશ્વર પોતાનું વચન પૂરું કરશે એવો ભરોસો રાખવાનું શીખી શકીએ છીએ. અરે આપણને માનવામાં ન આવે એવાં વચનો પણ તે પૂરાં કરી શકે છે. (હિબ્રૂઓ ૧૧:૧૧) સારાહ પાસેથી એ પણ શીખી શકીએ કે પત્નીએ પોતાના પતિને માન આપવું જોઈએ.—૧ પિતર ૩:૫, ૬.

 હવા

 હવા કોણ હતી? હવા દુનિયાની સૌથી પહેલી સ્ત્રી હતી. સ્ત્રીઓની વાત આવે ત્યારે બાઇબલમાં સૌથી પહેલા હવાનો ઉલ્લેખ થયો છે.

  તેણે શું કર્યું? તેણે ઈશ્વરની આજ્ઞા તોડી. હવા અને તેના પતિ આદમને બનાવવામાં આવ્યા ત્યારે તેઓમાં કોઈપણ ખામી ન હતી. તેઓને પસંદગી કરવાની છૂટ આપવામાં આવી હતી. તેઓને એ રીતે બનાવવામાં આવ્યા હતા કે તેઓ ઈશ્વર જેવા ગુણો કેળવી શકે, જેમ કે પ્રેમ અને બુદ્ધિ. (ઉત્પત્તિ ૧:૨૭) ઈશ્વરે આદમને કહ્યું હતું કે તે ફલાણા ઝાડનું ફળ ખાશે તો માર્યો જશે. હવાને એ વાતની ખબર હતી, છતાં તે છેતરાઈ. શેતાને કહ્યું કે જો તે ફળ ખાશે તો મરશે નહિ પણ વધારે ખુશ રહેશે. એટલે તેણે એ ફળ ખાધું અને પોતાના પતિને પણ આપ્યું.—ઉત્પત્તિ ૩:૧-૬; ૧ તિમોથી ૨:૧૪.

 હવા પાસેથી આપણે શું શીખી શકીએ? હવાએ જે તેનું ન હતું એ મેળવવાની મનમાં લાલચ જગાડી. આમ તે ઈશ્વરની આજ્ઞા વિરુદ્ધ ગઈ. હવાથી આપણને ચેતવણી મળે છે કે જો આપણે ખોટી ઇચ્છાઓને વધવા દઈશું તો જોખમમાં આવી જઈશું.—ઉત્પત્તિ ૩:૬; ૧ યોહાન ૨:૧૬.

 હાન્‍ના

 હાન્‍ના કોણ હતી? હાન્‍ના એલ્કાનાહની પત્ની અને શમુએલની માતા હતી. શમુએલ ઇઝરાયલ દેશમાં એક જાણીતા પ્રબોધક બન્યા હતા.—૧ શમુએલ ૧:૧, ૨, ૪-૭.

  તેણે શું કર્યું? લગ્‍ન પછી ઘણાં વર્ષો સુધી તેને કોઈ બાળક ન હતું. તેના પતિની બીજી પત્ની પનિન્‍ના હતી. તેને ઘણાં બાળકો હતાં. તે હાન્‍નાને મહેણાં-ટોણાં મારતી એટલે હાન્‍ના ખૂબ દુઃખી રહેતી. તેણે મનની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરી. તેણે પોતાનું હૈયું ઈશ્વર આગળ ઠાલવી દીધું. તેણે સમ ખાધા કે જો તેને દીકરો થશે તો તેને ઈશ્વરની સેવા માટે આપી દેશે. એ સમયે ઇઝરાયેલીઓ મંડપમાં ઈશ્વરની ભક્તિ કરતા હતા.—૧ શમુએલ ૧:૧૧.

 ઈશ્વરે હાન્‍નાની પ્રાર્થના સાંભળી અને તેને દીકરો આપ્યો. હાન્‍નાએ પોતાનું વચન નિભાવ્યું. તેણે શમુએલને નાનપણથી ઈશ્વરની સેવા કરવા મંડપમાં મોકલી આપ્યો. (૧ શમુએલ ૧:૨૭, ૨૮) તે દર વર્ષે શમુએલ માટે બાંય વગરનો ઝભ્ભો બનાવી લાવતી. સમય જતાં ઈશ્વરના આશીર્વાદથી તેને ત્રણ દીકરા અને બે દીકરી થયાં.—૧ શમુએલ ૨:૧૮-૨૧.

 હાન્‍ના પાસેથી આપણે શું શીખી શકીએ? ઈશ્વર આગળ પોતાની લાગણીઓ ઠાલવવાથી તે પોતાનું દુઃખ સહી શકી. તેણે ઈશ્વરનો આભાર માનવા પ્રાર્થના કરી, જે ૧ શમુએલ ૨:૧-૧૦માં લખી છે. તેની પ્રાર્થનાથી આપણે જોઈ શકીએ છીએ કે તેને ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા હતી.

 આ સ્ત્રીઓ કયા સમયમાં થઈ ગઈ?

  1.  હવા

  2. જળપ્રલય (ઈ.સ. પૂર્વે ૨૩૭૦)

  3.  સારાહ

  4.  લોતની પત્ની

  5.  રિબકા

  6.  લેઆહ

  7.  રાહેલ

  8. ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી નીકળ્યા (ઈ.સ. પૂર્વે ૧૫૧૩)

  9.  મરિયમ (મૂસા અને હારુનની બહેન)

  10.  રાહાબ

  11.  રૂથ

  12.  દબોરાહ

  13.  યાએલ

  14.  દલીલાહ

  15.  હાન્‍ના

  16. ઇઝરાયેલનો પહેલો રાજા (ઈ.સ. પૂર્વે ૧૧૧૭)

  17.  અબીગાઈલ

  18.  શૂલ્લામી સ્ત્રી

  19.  ઇઝેબેલ

  20.  એસ્તેર

  21.  મરિયમ (ઈસુની મા)

  22. ઈસુનું બાપ્તિસ્મા (ઈ.સ. ૨૯)

  23.  માર્થા

  24.  મરિયમ (માર્થા અને લાજરસની બહેન)

  25.  મરિયમ માગદાલેણ

  26. ઈસુનું મરણ (ઈ.સ. ૩૩)