સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૮૫

પસ્તાવો કરનાર પાપી માટે આનંદ મનાવવો

પસ્તાવો કરનાર પાપી માટે આનંદ મનાવવો

લુક ૧૫:૧-૧૦

  • ખોવાયેલા ઘેટા અને ખોવાયેલા સિક્કાનું ઉદાહરણ

  • સ્વર્ગમાં દૂતો આનંદ કરે છે

ઈસુએ પોતાના સેવાકાર્ય દરમિયાન અનેક વાર ભાર મૂક્યો હતો કે નમ્રતાનો ગુણ ખૂબ મહત્ત્વનો છે. (લુક ૧૪:૮-૧૧) તે કાયમ એવા લોકોની શોધમાં રહેતા, જેઓ નમ્રપણે ઈશ્વરને ભજવા માંગે છે. તેઓમાંના અમુક તો હજુ સુધી ગંભીર પાપમાં ડૂબેલા હતા.

તેઓને ફરોશીઓ અને શાસ્ત્રીઓ નકામા ગણતા હતા. એવા લોકો ઈસુ અને તેમના સંદેશા તરફ ખેંચાઈ રહ્યા છે, એવું જાણીને તેઓ ફરિયાદ કરવા લાગ્યા: “આ માણસ પાપીઓને આવકારે છે અને તેઓ સાથે ખાય છે.” (લુક ૧૫:૨) ફરોશીઓ અને શાસ્ત્રીઓ પોતાને ચઢિયાતા ગણતા હતા અને સામાન્ય માણસોને પોતાના પગની ધૂળ સમજતા હતા. એવા લોકો માટે પોતાનો તિરસ્કાર વ્યક્ત કરવા આગેવાનો તેઓને ‘આમહારેટ્‌સ’ (હિબ્રૂ) એટલે કે, “માટીના માણસો” કહીને બોલાવતા.

પણ, ઈસુ એવા ન હતા. તે બધાને માન આપતા અને દયા તથા કરુણાથી વર્તતા. એટલે, ઘણા દીન લોકો ઈસુની વાત સાંભળવા આતુર રહેતા. એમાંના અમુક તો પાપમાં ડૂબેલા હોવાથી કુખ્યાત હતા. તેઓને ઈસુ મદદ કરતા હોવાથી લોકો ટીકા કરવા લાગ્યા ત્યારે તેમને કેવું લાગ્યું? તેમણે કેવો જવાબ આપ્યો?

ઈસુએ દિલને સ્પર્શી જતું એક ઉદાહરણ જણાવ્યું, જેમાં એનો સ્પષ્ટ જવાબ મળે છે. એવું ઉદાહરણ તેમણે અગાઉ કાપરનાહુમમાં પણ આપ્યું હતું. (માથ્થી ૧૮:૧૨-૧૪) ઈસુએ ઉદાહરણથી બતાવ્યું કે ફરોશીઓ જાણે નેક અને ઈશ્વરના વાડામાં સુરક્ષિત હતા. પરંતુ, દીન લોકો માર્ગમાંથી ફંટાઈ ગયેલા અને ભૂલા પડેલા હતા. ઈસુએ કહ્યું:

“તમારામાંથી એવો કયો માણસ છે કે જેની પાસે ૧૦૦ ઘેટાં હોય અને એમાંથી એક ખોવાઈ જાય તો, ૯૯ને વેરાન જગ્યાએ મૂકીને ખોવાયેલું ઘેટું મળે નહિ ત્યાં સુધી એને શોધવા નહિ જાય? અને જ્યારે તેને એ પાછું મળે છે, ત્યારે તે એને ખભા પર ઉઠાવીને ઘણો આનંદ કરે છે. તે ઘરે પહોંચે છે ત્યારે, પોતાના મિત્રો અને પોતાના પડોશીઓને ભેગા કરીને તેઓને કહે છે: ‘મારી સાથે આનંદ કરો, કેમ કે મારું ખોવાયેલું ઘેટું પાછું મળ્યું છે.’”—લુક ૧૫:૪-૬.

ઈસુ આ ઉદાહરણથી શું શીખવવા માંગતા હતા? તેમણે સમજાવ્યું: “હું તમને જણાવું છું કે એવી જ રીતે, પસ્તાવો કરવાની જરૂર નથી એવા ૯૯ ન્યાયી લોકો કરતાં, એક પાપી પસ્તાવો કરે ત્યારે, સ્વર્ગમાં વધારે આનંદ થશે.”—લુક ૧૫:૭.

ઈસુએ પસ્તાવો કરવા વિશે જે વાત કહી, એનાથી ફરોશીઓને જરૂર આઘાત લાગ્યો હશે. તેઓ પોતાને નેક ગણતા હતા અને માનતા હતા કે તેઓને પસ્તાવો કરવાની કોઈ જરૂર નથી. તેઓમાંથી અમુક ફરોશીઓએ બે વર્ષ પહેલાં ઈસુની ટીકા કરી હતી, કેમ કે તે કર ઉઘરાવનારાઓ અને પાપીઓ સાથે જમતા હતા. ત્યારે ઈસુએ તેઓને જવાબ આપ્યો હતો: “હું નેક લોકોને નહિ, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું.” (માર્ક ૨:૧૫-૧૭) પોતાને નેક ગણતા ફરોશીઓ પસ્તાવો કરવા માંગતા ન હતા. એટલે, તેઓના લીધે સ્વર્ગમાં જરાય આનંદ થતો ન હતો. પણ, એક પાપી ખરા દિલથી પસ્તાવો કરે છે ત્યારે સ્વર્ગમાં આનંદ થાય છે.

પાપીઓના પાછા ફરવાથી સ્વર્ગમાં પુષ્કળ આનંદ થાય છે, એ મુદ્દા પર ભાર મૂકવા ઈસુએ બીજું એક ઉદાહરણ આપ્યું: “એવી કઈ સ્ત્રી છે, જેની પાસે ચાંદીના દસ સિક્કા હોય અને એમાંનો એક ચાંદીનો સિક્કો ખોવાઈ જાય તો, તે દીવો સળગાવીને તેનું ઘર નહિ વાળે અને જ્યાં સુધી એ મળે ત્યાં સુધી બરાબર નહિ શોધે? અને તેને એ મળે છે ત્યારે, તે પોતાના મિત્રોને અને પડોશીઓને બોલાવીને કહે છે, ‘મારી સાથે ઘણો આનંદ કરો, કેમ કે જે ચાંદીનો સિક્કો મારાથી ખોવાઈ ગયો હતો, એ મને પાછો મળ્યો છે.’”—લુક ૧૫:૮, ૯.

ખોવાયેલા ઘેટાના ઉદાહરણથી ઈસુએ જે શીખવ્યું હતું, એ જ અહીંયા પણ શીખવ્યું. તેમણે કહ્યું: “હું તમને જણાવું છું કે એવી જ રીતે, એક પાપી પસ્તાવો કરે ત્યારે, ઈશ્વરના દૂતોમાં ઘણો આનંદ છવાઈ જાય છે.”—લુક ૧૫:૧૦.

ખોવાયેલા પાપીઓને પાછા ફરતા જોઈને દૂતોને કેટલો આનંદ થતો હશે, એની જરા કલ્પના કરો! એ નોંધપાત્ર કહેવાય, કેમ કે પસ્તાવો કરનારા પાપીઓનું ઈશ્વરના રાજ્યમાં દૂતો કરતાં ઊંચું સ્થાન હશે! (૧ કોરીંથીઓ ૬:૨, ૩) છતાં, દૂતો ઈર્ષા કરતા નથી. તો પછી, કોઈ પાપી ખરા દિલથી પસ્તાવો કરીને ઈશ્વર તરફ પાછો ફરે ત્યારે, આપણને કેવું લાગવું જોઈએ?