સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રકરણ ૯૦

‘મરણ પામેલા લોકોને સજીવન કરનાર અને જીવન આપનાર’

‘મરણ પામેલા લોકોને સજીવન કરનાર અને જીવન આપનાર’

યોહાન ૧૧:૧૭-૩૭

  • લાજરસના મરણ પછી ઈસુ આવે છે

  • ‘મરણ પામેલા લોકોને સજીવન કરનાર અને જીવન આપનાર’

પેરીઆથી નીકળેલા ઈસુ બેથનિયા ગામની સીમમાં આવી પહોંચ્યા. એ ગામ યરૂશાલેમની પૂર્વે ત્રણેક કિલોમીટર દૂર આવેલું હતું. લાજરસનું મરણ થોડા સમય પહેલાં જ થયું હોવાથી, તેની બહેનો મરિયમ અને માર્થા શોક કરી રહી હતી. ઘણા લોકો તેઓને દિલાસો આપવા આવ્યા હતા.

પછી, કોઈએ માર્થાને કહ્યું કે ઈસુ આવી રહ્યા છે અને તે તેમને મળવા દોડી ગઈ. ચાર ચાર દિવસથી માર્થા અને તેની બહેનના મનમાં જે વાત ઘૂમરાયા કરતી હતી, એ તેણે ઈસુને કહી દીધી: “પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મરણ પામ્યો ન હોત.” જોકે, એવું ન હતું કે તેને પોતાના ભાઈ માટે કોઈ આશા ન હતી. માર્થાએ કહ્યું: “મને હજુ પણ ભરોસો છે કે તમે ઈશ્વર પાસે જે કંઈ માંગો એ ઈશ્વર તમને જરૂર આપશે.” (યોહાન ૧૧:૨૧, ૨૨) તેને લાગતું હતું કે, ઈસુ હજુ તેના ભાઈ વિશે કંઈક કરી શકે છે.

ઈસુએ કહ્યું: “તારો ભાઈ ઊઠશે.” માર્થાને લાગ્યું કે ઈસુ ભવિષ્યમાં પૃથ્વી પર લોકોને સજીવન કરવા વિશે કહી રહ્યા છે, જે આશા ઈબ્રાહીમ અને બીજાઓને પણ હતી. માર્થાને એ વાતમાં પૂરો ભરોસો હોવાથી તે બોલી ઊઠી: “હું જાણું છું કે છેલ્લા દિવસે લોકોને સજીવન કરવામાં આવશે ત્યારે તે ઊઠશે.”—યોહાન ૧૧:૨૩, ૨૪.

પણ, આ કિસ્સામાં તરત રાહત આપવા શું ઈસુ કંઈ કરી શકે એમ હતા? તેમણે માર્થાને યાદ દેવડાવ્યું કે ઈશ્વરે તેમને મરણ પર સત્તા આપી છે. તેમણે કહ્યું: “જે કોઈ મારામાં શ્રદ્ધા મૂકે છે તે ગુજરી જાય તોપણ સજીવન થશે; અને મારામાં શ્રદ્ધા મૂકનારી કોઈ પણ જીવંત વ્યક્તિ કદી મરશે નહિ.”—યોહાન ૧૧:૨૫, ૨૬.

ઈસુ એમ કહેતા ન હતા કે એ સમયના તેમના શિષ્યો કદી મરશે જ નહિ. અરે, તે પોતે પણ મરણ પામવાના હતા, જેના વિશે તેમણે પોતાના પ્રેરિતોને કહ્યું હતું. (માથ્થી ૧૬:૨૧; ૧૭:૨૨, ૨૩) ઈસુ એમ કહેતા હતા કે તેમના પર શ્રદ્ધા રાખવાથી હંમેશ માટેનું જીવન મળે છે. ઘણા લોકો મરણમાંથી સજીવન થઈને એવું જીવન મેળવશે. જોકે, દુનિયાના અંતના સમયે જીવતા ભક્તોએ કદાચ ક્યારેય મરવું નહિ પડે. ભલે ગમે એ હોય, ઈસુમાં શ્રદ્ધા રાખનાર દરેક ખાતરી રાખી શકે કે તેણે મરણની ઊંઘમાં કાયમ રહેવું નહિ પડે.

ઈસુએ હમણાં જ કહ્યું હતું: “હું મરણ પામેલા લોકોને સજીવન કરનાર છું અને હું તેઓને જીવન આપનાર છું.” શું તે હવે અમુક દિવસોથી મરણ પામેલા લાજરસ વિશે કંઈક કરશે? ઈસુએ માર્થાને પૂછ્યું: “શું તને આ વાત પર ભરોસો છે?” તેણે જવાબ આપ્યો: “હા પ્રભુ, હું માનું છું કે તમે જ એ ખ્રિસ્ત છો, ઈશ્વરના દીકરા છો, જે દુનિયામાં આવવાના હતા.” માર્થાને શ્રદ્ધા હતી કે ઈસુ એ દિવસે જરૂર કંઈક કરશે, એટલે તે જલદી ઘરે દોડી ગઈ અને પોતાની બહેનને એકાંતમાં કહ્યું: “ગુરુજી આવ્યા છે અને તને બોલાવે છે.” (યોહાન ૧૧:૨૫-૨૮) એ સાંભળીને મરિયમ ઘરમાંથી બહાર નીકળી. લોકોને લાગ્યું કે તે લાજરસની કબરે જઈ રહી છે, એટલે તેઓ પણ તેની પાછળ પાછળ ગયા.

કબરે જવાને બદલે મરિયમ ઈસુ પાસે ગઈ. તે તેમના પગ આગળ પડીને રડવા લાગી. તેણે પોતાની બહેનના લાગણીસભર શબ્દો ફરીથી કહ્યા: “પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મરણ પામ્યો ન હોત.” મરિયમ અને લોકોને રડતા જોઈને ઈસુનું દિલ ભરાઈ આવ્યું. તેમણે ઊંડો નિસાસો નાખ્યો અને તે રડી પડ્યા. ત્યાં હાજર લોકો પણ એ જોઈને ભાવુક થઈ ગયા. પણ, કેટલાકે પૂછ્યું: ‘ઈસુએ આંધળાને દેખતો કર્યો, તે શું આ માણસને મરતા અટકાવી શક્યા ન હોત?’—યોહાન ૧૧:૩૨, ૩૭.