સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ક-૩

બાઇબલ આપણા સુધી કઈ રીતે પહોંચ્યું?

બાઇબલ ઈશ્વરે આપ્યું છે અને તેમણે એ લખાવ્યું છે. તેમણે એને સાચવી રાખ્યું છે. તેમણે બાઇબલમાં આમ કહ્યું છે:

“ઈશ્વરનાં વચનો હંમેશાં ટકી રહે છે.”​—યશાયા ૪૦:૮.

એ શબ્દો કેટલા સાચા છે! હિબ્રૂ અને અરામિક શાસ્ત્રવચનોની a એકેય મૂળ હસ્તપ્રત આજ સુધી બચી નથી. ગ્રીક શાસ્ત્રવચનોની મૂળ હસ્તપ્રત પણ ટકી નથી. તો પછી કઈ રીતે પૂરા ભરોસાથી કહી શકીએ કે બાઇબલમાં એ જ વચનો છે, જે ઈશ્વરે લખાવ્યાં હતાં?

શાસ્ત્રની નકલ ઉતારનારાઓએ એને સાચવી રાખ્યું

ચાલો હિબ્રૂ શાસ્ત્રવચનો વિશે જોઈએ. જૂના જમાનામાં ઈશ્વરે નિયમ આપ્યો હતો કે શાસ્ત્રવચનોની નકલ ઉતારવામાં આવે. b દાખલા તરીકે, યહોવાએ ઇઝરાયેલના રાજાઓને હુકમ આપ્યો હતો કે તેઓ પોતાના માટે નિયમશાસ્ત્રની નકલ ઉતારે. (પુનર્નિયમ ૧૭:૧૮) ઈશ્વરે લેવીઓને જવાબદારી સોંપી હતી કે તેઓ નિયમશાસ્ત્ર સાચવે અને એમાંથી લોકોને શીખવે. (પુનર્નિયમ ૩૧:૨૬; નહેમ્યા ૮:૭) યહૂદીઓ બાબેલોનની ગુલામીમાં ગયા પછી, નકલ ઉતારનાર સમૂહની શરૂઆત થઈ. તેઓને શાસ્ત્રીઓ (સોફેરિમ) કહેવામાં આવતા. (એઝરા ૭:૬, ફૂટનોટ) સમય જતાં, એ શાસ્ત્રીઓએ હિબ્રૂ શાસ્ત્રવચનોનાં ૩૯ પુસ્તકોની અનેક નકલો ઉતારી.

ઘણી સદીઓ સુધી શાસ્ત્રીઓએ ખૂબ ધ્યાનથી એ પુસ્તકોની નકલો ઉતારી. મધ્ય યુગમાં (ઈ.સ. ૫૦૦-૧૫૦૦) યહૂદીઓના બીજા એક સમૂહે એ કામ ચાલુ રાખ્યું. તેઓ મેસોરેટ તરીકે ઓળખાતા. આખા હિબ્રૂ શાસ્ત્રવચનોની સૌથી જૂની હસ્તપ્રત લેનિનગ્રાડ કોડેક્સ છે. એ ઈ.સ. ૧૦૦૮ / ૧૦૦૯માં લખાઈ હતી. પણ આશરે ૧૯૫૦ના સમયગાળામાં મૃત સરોવર નજીક અમુક વીંટા મળી આવ્યા. એમાં બાઇબલની આશરે ૨૨૦ હસ્તપ્રતો કે એના ટુકડા હતા. લેનિનગ્રાડ કોડેક્સ કરતાં એ હસ્તપ્રતો એક હજારથી પણ વધારે વર્ષો જૂની છે. મૃત સરોવરના વીંટા અને લેનિનગ્રાડ કોડેક્સ સરખાવવામાં આવ્યા. એમાંથી એક મહત્ત્વની વાત જાણવા મળી: મૃત સરોવરના વીંટામાં થોડા-ઘણા શબ્દોનો ફરક છે, પણ એના સંદેશામાં કોઈ ફરક નથી.

હવે ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોનાં ૨૭ પુસ્તકો વિશે જોઈએ. એ પુસ્તકો ઈસુ ખ્રિસ્તના અમુક પ્રેરિતો અને શરૂઆતના શિષ્યોએ લખ્યા હતા. યહૂદી શાસ્ત્રીઓની જેમ પહેલી સદીના ખ્રિસ્તીઓએ પણ એ પુસ્તકોની નકલો ઉતારી. (કોલોસીઓ ૪:૧૬) નકલ ઉતારેલાં એ બધાં લખાણોનો નાશ કરવા રોમન સમ્રાટ ડાયાક્લીશન અને બીજાઓએ ઘણા પ્રયત્નો કર્યા. તોપણ હજારો હસ્તપ્રતો અને એના ટુકડા આજ સુધી સચવાઈ રહ્યાં છે.

ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોનું બીજી ભાષાઓમાં પણ ભાષાંતર થયું હતું. શરૂઆતમાં બાઇબલનું ભાષાંતર આ ભાષાઓમાં થયું હતું: આર્મેનિયન, કોપ્ટિક, ઇથિયોપિક, જોર્જિયન, લૅટિન અને સિરિયાક.

હિબ્રૂ અને ગ્રીકનાં કયાં લખાણોમાંથી ભાષાંતર થવું જોઈએ?

બાઇબલની જૂની હસ્તપ્રતોની બધી નકલોના શબ્દોમાં થોડો-ઘણો ફરક છે. તો પછી કઈ રીતે જાણી શકીએ કે મૂળ લખાણોમાં શું હતું?

એક દાખલો લઈએ. એક શિક્ષક ૧૦૦ વિદ્યાર્થીઓને કોઈ પુસ્તકના એક પાઠની નકલ ઉતારવાનું કહે છે. હવે એ પુસ્તક ખોવાઈ જાય તોપણ વિદ્યાર્થીઓએ ઉતારેલી નકલોની સરખામણી કરીને, પાઠની બધી માહિતી પાછી મેળવી શકાય છે. કદાચ દરેક વિદ્યાર્થીએ અમુક ભૂલો કરી હશે, પણ બધા વિદ્યાર્થીઓ એકસરખી ભૂલ કરે એવું તો ન બને. એવી જ રીતે, આજે વિદ્વાનો પાસે બાઇબલ પુસ્તકોની જૂની હસ્તપ્રતો અને એના હજારો ટુકડાઓ છે. તેઓ એને એકબીજા સાથે સરખાવીને જાણી શકે છે કે નકલ ઉતારનારથી કઈ ભૂલો થઈ હતી અને મૂળ લખાણોમાં શું હતું.

“આપણે પૂરી ખાતરીથી કહી શકીએ કે એના સિવાય જૂના જમાનાનું બીજું કોઈ પુસ્તક નથી, જે ફેરફાર વગર આપણા સુધી આવ્યું હોય”

મૂળ લખાણોની ખરી માહિતી આપણા સુધી પહોંચી છે, એવી ખાતરી કઈ રીતે રાખી શકીએ? વિલિયમ એચ. ગ્રીન નામના વિદ્વાને હિબ્રૂ શાસ્ત્રવચનો વિશે કહ્યું: “આપણે પૂરી ખાતરીથી કહી શકીએ કે એના સિવાય જૂના જમાનાનું બીજું કોઈ પુસ્તક નથી, જે ફેરફાર વગર આપણા સુધી આવ્યું હોય.” ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો, જે નવો કરાર કહેવાય છે, એના વિશે બાઇબલ વિદ્વાન એફ. એફ. બ્રૂસે લખ્યું: “જૂના જમાનાના જાણીતા લેખકોએ ઘણાં પુસ્તકો લખ્યાં છે. એની ખરાઈ પર સવાલ ઉઠાવવાનું કોઈ સપનામાં પણ વિચારતું નથી. એ પુસ્તકોની સરખામણીમાં નવો કરાર સાચો છે, એના તો અનેક પુરાવા છે.” તેમણે એમ પણ લખ્યું, “જો નવો કરાર એમાંનું જ કોઈ પુસ્તક હોત, તો એની ખરાઈ પર ક્યારેય કોઈએ સવાલ ઉઠાવ્યો ન હોત.”

મૃત સરોવરના વીંટામાં યશાયાનો ૪૦મો અધ્યાય (ઈ.સ. પૂર્વે ૧૨૫-૧૦૦)

આ વીંટાઓની સરખામણી એનાથી આશરે એક હજાર વર્ષ પછીની હિબ્રૂ હસ્તપ્રતો સાથે કરી ત્યારે બહુ ઓછો ફરક જોવા મળ્યો, એ પણ ફક્ત શબ્દોની જોડણીમાં

એલીપો કોડેક્સમાં યશાયાનો ૪૦મો અધ્યાય. આશરે ઈ.સ. ૯૩૦ની એક મહત્ત્વની હિબ્રૂ હસ્તપ્રત, જેની નકલ મેસોરેટ લોકોએ કરી હતી

હિબ્રૂ લખાણ: અંગ્રેજીમાં નવી દુનિયા ભાષાંતર—હિબ્રૂ શાસ્ત્રવચનો (૧૯૫૩-૧૯૬૦) માટે રૂડોલ્ફ કિટલનું બિબ્લીઆ હેબ્રાઈકા વપરાયું હતું. પછીથી હિબ્રૂ લખાણોની નવી આવૃત્તિઓ તૈયાર કરવામાં આવી. એને બિબ્લીઆ હેબ્રાઈકા સ્ટૂટગાર્ટનસ્યા અને બિબ્લીઆ હેબ્રાઈકા ક્વિંટા કહેવામાં આવે છે. એમાં મૃત સરોવરના વીંટા અને બીજી પ્રાચીન હસ્તપ્રતોના સંશોધનમાંથી મળેલી નવી માહિતીનો પણ સમાવેશ થયો છે. એ આવૃત્તિઓમાં લેનિનગ્રાડ કોડેક્સના શબ્દો મુખ્ય લખાણમાં અને બીજી હસ્તપ્રતોની માહિતી ફૂટનોટમાં મૂકવામાં આવી છે. એ હસ્તપ્રતોમાં સમરૂની પંચગ્રંથ, મૃત સરોવરના વીંટા, ગ્રીક સેપ્ટુઆજીંટ, અરામિક ટારગમ, લૅટિન વલ્ગેટ અને સિરિયાક પેશીટાનો સમાવેશ થાય છે. અંગ્રેજીમાં નવી દુનિયા ભાષાંતરની નવી આવૃત્તિ માટે બિબ્લીઆ હેબ્રાઈકા સ્ટૂટગાર્ટનસ્યા અને બિબ્લીઆ હેબ્રાઈકા ક્વિંટા વપરાયું છે.

ગ્રીક લખાણ: ૧૯મી સદીના અંતે બી. એફ. વેસ્ટકોટ અને એફ. જે. એ. હૉર્ટ નામના વિદ્વાનોએ એ સમયની બાઇબલ હસ્તપ્રતો અને એના ટુકડાઓની એકબીજા સાથે સરખામણી કરી. એના પરથી તેઓએ ગ્રીક શાસ્ત્રવચનોનું એક મુખ્ય લખાણ તૈયાર કર્યું. તેઓ માનતા હતા કે એ મુખ્ય લખાણ મૂળ લખાણો જેવું જ હતું. ૧૯૫૦ના સમયગાળામાં એ મુખ્ય લખાણના આધારે નવી દુનિયા બાઇબલ ભાષાંતર સમિતિએ ગ્રીક શાસ્ત્રવચનોનું ભાષાંતર કર્યું. એ ભાષાંતરમાં પપાઈરસની જૂની હસ્તપ્રતોમાંથી મળેલી માહિતી પણ વપરાઈ હતી. એ હસ્તપ્રતો બીજી અને ત્રીજી સદીની છે એવું માનવામાં આવે છે. એ પછી બીજી ઘણી પપાઈરસ હસ્તપ્રતો મળી આવી. એટલું જ નહિ, નેસલ અને એલાન્ડ તેમજ યુનાઈટેડ બાઇબલ સોસાયટીએ પણ મુખ્ય લખાણો તૈયાર કર્યાં, જેમાં વિદ્વાનોના સંશોધનથી મળેલી તાજી જાણકારી છે. એ સંશોધનની અમુક માહિતીનો ઉપયોગ અંગ્રેજી નવી દુનિયા ભાષાંતરની નવી આવૃત્તિમાં થયો છે.

એ મુખ્ય લખાણોથી આ વાત સાફ દેખાય છે: કિંગ જેમ્સ વર્ઝન જેવા ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોના જૂનાં ભાષાંતરોની અમુક કલમો મૂળ લખાણોમાં ન હતી કે ઈશ્વરની પ્રેરણાથી લખાઈ ન હતી. પણ શાસ્ત્રીઓએ નકલ કરતી વખતે એ કલમો ઉમેરી હતી. ૧૬મી સદીમાં બાઇબલની કલમોનો ક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. એટલે જો ઉમેરેલી કલમોને કાઢી નાખવામાં આવે, તો કલમોનો ક્રમ તૂટી જાય. આ બાઇબલમાં એ કલમો પર ફૂટનોટ આપી છે. એ કલમો આ છે: માથ્થી ૧૭:૨૧; ૧૮:૧૧; ૨૩:૧૪; માર્ક ૭:૧૬; ૯:૪૪, ૪૬; ૧૧:૨૬; ૧૫:૨૮; લૂક ૧૭:૩૬; ૨૩:૧૭; યોહાન ૫:૪; પ્રેરિતોનાં કાર્યો ૮:૩૭; ૧૫:૩૪; ૨૪:૭; ૨૮:૨૯ અને રોમનો ૧૬:૨૪.

માર્ક ૧૬ની લાંબી સમાપ્તિ (કલમો ૯-૨૦), માર્ક ૧૬ની ટૂંકી સમાપ્તિ અને યોહાન ૭:૫૩–૮:૧૧ની કલમો મૂળ હસ્તપ્રતોમાં જોવા મળતી નથી. એટલે આ બાઇબલમાં એ કલમો મૂકવામાં આવી નથી.

વિદ્વાનોનું માનવું છે કે મૂળ લખાણો પ્રમાણે અમુક કલમોના શબ્દો આવા-આવા હોવા જોઈએ. એ ધ્યાનમાં રાખીને આ ભાષાંતરની અમુક કલમો સુધારવામાં આવી છે. દાખલા તરીકે, અમુક હસ્તપ્રતોમાં માથ્થી ૭:૧૩ આમ કહે છે: “સાંકડા દરવાજાથી અંદર જાઓ, કેમ કે પહોળો દરવાજો અને સરળ રસ્તો વિનાશ તરફ લઈ જાય છે.” અંગ્રેજી નવી દુનિયા ભાષાંતરમાં અગાઉ “દરવાજો” શબ્દ વપરાયો ન હતો, પણ આ આવૃત્તિમાં એ શબ્દ વાપર્યો છે. આવા અમુક સુધારા કરવામાં આવ્યા છે. જોકે, એવા નાના-મોટા સુધારા કરવાથી ઈશ્વરનો મૂળ સંદેશો બદલાતો નથી.

આશરે ઈ.સ. ૨૦૦ની પપાઈરસ હસ્તપ્રત, જેમાં ૨ કોરીંથીઓ ૪:૧૩–૫:૪ કલમો છે

a અહીંથી એને હિબ્રૂ શાસ્ત્રવચનો કહ્યાં છે.

b નકલ ઉતારવાનું એક કારણ એ હતું કે હસ્તપ્રતો એવી વસ્તુઓમાંથી બનતી, જેનો સમય જતાં નાશ થઈ જતો.