સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ચાદર પ્રમાણે સોડ તાણો શું એ શક્ય છે?

ચાદર પ્રમાણે સોડ તાણો શું એ શક્ય છે?

“ચાદર પ્રમાણે સોડ તાણો.” આ કહેવતનો અર્થ એ થાય કે વ્યક્તિ પાસે જેટલી આવક હોય એટલો જ ખર્ચ કરે.

કદાચ તમે કહેશો કે કહેવું સહેલું છે, પણ કરવું અઘરું છે. જોકે એ પ્રમાણે કરવાથી પૈસાની તંગી ટાળી શકાય છે. એ માટે શું કરવું જોઈએ? ક્યાંથી મદદ મળી શકે? એ માટે બાઇબલ સારી સલાહ આપે છે. ચાલો એમાં જણાવેલા સિદ્ધાંતો જોઈએ.

મદદ આપતા બાઇબલ સિદ્ધાંતો

બાઇબલમાં ઘણા સિદ્ધાંતો છે, જે પૈસાને લગતી બાબતોમાં મદદ કરે છે. જો તમે એ સિદ્ધાંતો સાથે સહમત હોવ તો એનો વિચાર કરો. એ તમને જરૂર કરકસરથી જીવવા મદદ કરશે.

પ્લાન કે બજેટ બનાવો.

પૈસાનો સારી રીતે ઉપયોગ કરવા આવક-જાવકનો હિસાબ રાખો. બાઇબલ કહે છે: “ઉદ્યોગીના વિચારોનું પુષ્કળ ફળ મળે છે; પણ દરેક ઉતાવળિયો કેવળ નિર્ધન થાય છે.” (નીતિવચનો ૨૧:૫) કેટલાક લોકો અલગ-અલગ ખર્ચ માટે અલગ-અલગ કવર રાખે છે. જેમ કે “ખોરાક,” “ભાડું,” “કપડાં” વગેરે વગેરે. તમે આ રીત વાપરો કે બીજી કોઈ, તમારા પૈસા ક્યાં જાય છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. ગમતી વસ્તુઓ કે લક્ઝરી બાબતો પાછળ ખર્ચ કરવાને બદલે જરૂરિયાતને પ્રથમ રાખો.

દેખાદેખી ન કરો.

ઘણા લોકોને પૈસાવાળા દેશોના લોકોની જેમ ચીજ-વસ્તુઓ લાવવાનું ગમતું હોય છે. પડોશીની ચીજ-વસ્તુ જોઈને પોતાને પણ એ ખરીદવાની લાલચ થાય છે. કદાચ પડોશીને પણ એ વસ્તુ પોષાતી નહિ હોય. જો આપણે તેઓની જેમ જીવવા પ્રયત્ન કરીશું તો એ ફાંદો બની શકે. શા માટે કોઈની નકલ કરીને જાણીજોઈને તંગીમાં પડીએ! બાઇબલ ચેતવણી આપે છે: ‘લોભી વ્યક્તિ પૈસાદાર થવા માટે દોડે છે, પણ તેને ખબર નથી કે પોતાના ઉપર ગરીબી આવી પડશે.’—નીતિવચનો ૨૮:૨૨, ઈઝી-ટુ-રીડ વર્ઝન.

સાદું જીવન જીવો.

ઈસુએ પોતાના શિષ્યોને સલાહ આપી કે તમારી આંખ “નિર્મળ” રાખો એટલે કે સાદું જીવન જીવો. (માત્થી ૬:૨૨) ફક્ત રોટલો જ પોસાય એમ હોય છતાં રોજ આખી ગુજરાતી થાળી બનાવો તો પૈસાની તંગીમાં વહેલાં આવી પડશો. એક એશિયન ડેવલપમૅન્ટ બૅન્કના અહેવાલ મુજબ, ફિલિપાઈન્સની આશરે ત્રીજા ભાગની અને ભારતની અડધી વસ્તીની રોજની આવક ૬૦ રૂપિયાથી પણ ઓછી છે. આટલી પાતળી આવક હોય ત્યારે જરૂરિયાતો પર જ ધ્યાન આપવામાં ડહાપણ છે. અમીર દેશોમાં પણ લોકો એ જ સિદ્ધાંત લાગુ પાડે, તો તંગીને ટાળી શકે છે.

જેટલું હોય એટલામાં સંતોષ માનો.

આ સલાહ, સાદું જીવન જીવવાની સલાહ જેવી છે. બાઇબલમાં ૧ તીમોથી ૬:૮ કહે છે, “આપણને જે અન્‍નવસ્ત્ર મળે છે તેઓથી આપણે સંતોષી રહીએ.” દુનિયાના ઘણા લોકો એવા છે જેઓ પાસે ઓછા પૈસા છે છતાં ખુશ છે. તેઓ પાસે જે ચીજ-વસ્તુઓ છે એમાં જ સંતોષ માને છે. કુટુંબ અને મિત્રોના પ્રેમથી તેઓને વધારે ખુશી મળે છે.—નીતિવચનો ૧૫:૧૭.

બિનજરૂરી દેવું ટાળો.

બાઇબલ જણાવે છે: “દ્રવ્યવાન ગરીબ પર સત્તા ચલાવે છે, અને દેણદાર લેણદારનો દાસ છે.” (નીતિવચનો ૨૨:૭) કેટલીક વાર સંજોગોને લીધે દેવું કરવું પડે છે. પણ જેઓ એશઆરામની વસ્તુઓ ખરીદવા પાછળ પડે છે, તેઓ જલદીથી દેવાદાર બની શકે છે. ખાસ કરીને જ્યારે ક્રૅડિટ કાર્ડની વાત આવે ત્યારે. ટાઈમ મૅગેઝિન જણાવે છે: જ્યારે લોકોના હાથમાં ક્રૅડિટ કાર્ડ આવે ત્યારે જાણે તેઓ હવામાં ઉડવા લાગે છે. ફિલિપાઈન્સમાં રહેતો એરિક કહે છે: ‘હું જ્યારે ક્રૅડિટ કાર્ડ વાપરું છું ત્યારે વધારે પડતી ખરીદી કરી લઉં છું. પણ જ્યારે બિલ આવે ત્યારે મારું બજેટ હલી જાય છે.’ ક્રૅડિટ કાર્ડ વાપરતા પહેલાં સાવચેતી રાખવી એ ડહાપણભર્યું છે.—૨ રાજાઓ ૪:૧; માત્થી ૧૮:૨૫.

પહેલાં બચાવો પછી ખર્ચો.

આ વિચાર જૂનવાણી લાગે. પણ પૈસાની તંગીથી બચવું હોય તો પહેલાં બચાવો પછી ખરીદો. એમ કરવાથી દેવું અને બીજી બાબતોથી બચી શકશો. જેમ કે ઉધાર કે હપ્તેથી વસ્તુ ખરીદવાથી તમારે મૂડી અને વ્યાજ એમ બંનેવ આપવા પડે છે, જે દેવાદાર બનાવી શકે. આપણે કીડી પાસેથી કંઈક બોધપાઠ લઈ શકીએ. બાઇબલ કહે છે કે કીડી જાણે “બુદ્ધિમાન” છે. તે ‘કાપણીની મોસમમાં પોતાનો ખોરાક સંઘરી રાખે છે,’ જેથી ભાવિમાં કામ આવી શકે.—નીતિવચનો ૬:૬-૮; ૩૦:૨૪, ૨૫.

બીજા પાસેથી શીખીએ

આપણે જોઈ ગયેલા બાઇબલ સિદ્ધાંતો બહુ સરસ છે, પણ શું એ ખરેખર કામ કરે છે? ચાલો કેટલીક વ્યક્તિઓ વિષે જોઈએ, જેમણે આ સિદ્ધાંતોને લાગુ પાડ્યા છે અને તંગીનો સામનો કરી શક્યા છે.

ડાયોસડાડોને ચાર બાળકો છે. તે જણાવે છે કે હાલમાં આવેલી મંદીને લીધે કુટુંબની જરૂરિયાતો પૂરી કરવું અઘરું બન્યું છે. પણ, એનાથી હું જોઈ શક્યો છું કે આવક-જાવકનો હિસાબ રાખવાથી કેટલો ફાયદો થાય છે. ‘હું મારી કમાણીનો પાઈ પાઈનો હિસાબ રાખું છું. દરેક ખર્ચની નોંધ રાખું છું.’ ડાનિલો પણ આવું જ કંઈક કરે છે. તેનો ધંધો પડી ભાંગ્યો છતાં પતિ-પત્ની ભેગા મળીને કરકસરથી જીવે છે. તે કહે છે: ‘અમને ખબર છે કે મહિનાની કેટલી આવક છે અને કેટલી જાવક છે. એ પરથી અમે ચર્ચા કરીને નક્કી કરીએ છીએ કે બચેલા પૈસામાંથી શું ખરીદવું.’

બજેટ પ્રમાણે જીવવા કેટલાંક લોકોને અમુક કાપ મૂકવો જરૂરી લાગે છે. મ્યર્ના એક વિધવા બહેન છે, અને તેમને ત્રણ બાળકો છે. તે કહે છે: ‘પૈસા બચાવવા હું અને મારા બાળકો ધાર્મિક સભામાં વાહનમાં જવાને બદલે ચાલીને જઈએ છીએ.’ તે પોતાના બાળકોને સાદું જીવન જીવવું કેમ મહત્ત્વનું છે એ શીખવે છે. તે કહે છે, ‘મેં ૧ તીમોથી ૬:૮-૧૦ના સિદ્ધાંતને લાગુ પાડવાનો પ્રયત્ન કર્યો છે. એમાં બતાવ્યું છે કે જે હોય એમાં સંતોષી રહેવું અગત્યનું છે.’

જેરાલ્ડને બે બાળકો છે. તેમનું કુટુંબ પણ સાદું જીવન જીવવા પ્રયત્ન કરે છે. તે કહે છે: ‘ભક્તિ માટે એક સાંજે ભેગાં મળીએ ત્યારે એવા ભાઈ-બહેનોના અનુભવોની ચર્ચા કરીએ છીએ, જેઓએ ઈશ્વરભક્તિને પ્રથમ રાખી હોય. એ કરવાથી ખૂબ જ સારું પરિણામ આવ્યું છે. અમારા બાળકો જરૂરી ના હોય એવી વસ્તુ માટે જીદ કરતા નથી.’

જેનેટ એકલી રહે છે, અને તે ફિલિપાઈન્સમાં લોકોને પૂરા સમય માટે બાઇબલ શીખવે છે. હાલમાં તેની નોકરી છૂટી ગઈ છતાં, તે પોતાની જરૂરિયાત પૂરી કરી શકે છે. તે કહે છે, ‘હું પૈસા જેમ-તેમ વેડફી નાખતી નથી. મોટા મૉલમાં જવાને બદલે સારી ઑફર હોય ત્યાંથી ખરીદી કરું છું. જો સસ્તામાં વસ્તુ મળતી હોય તો પછી શા માટે વધારે પૈસા ખર્ચવા! હું વિચાર્યા વગર ખરીદી કરતી નથી.’ જેનેટ જોઈ શકે છે કે પૈસાની બચત કરવાથી મદદ મળે છે. તે કહે છે, ‘જો થોડી બચત થાય તો હું એને એક બાજુ રાખું છું, જેથી અણધાર્યા ખર્ચા આવે ત્યારે કામમાં આવે.’

આગળ જણાવેલ એરિક કહે છે, ‘અચાનક જરૂર ઊભી થાય તો જ હું ક્રૅડિટ કાર્ડ વાપરું છું.’ ડાયોસડાડો કહે છે: ‘ખર્ચને કાબૂમાં રાખવા હું મારું કાર્ડ ઑફિસમાં જ રાખું છું.’

શું તમે પહોચ પ્રમાણે જીવી શકો?

ખરું કે બાઇબલ ધાર્મિક પુસ્તક છે, છતાં ઘણાને એમાંની સલાહથી પૈસાની બાબતમાં ઘણી મદદ મળી છે. (નીતિવચનો ૨:૬; માત્થી ૬:૨૫-૩૪) જો તમે બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડો અને જેઓ એ મુજબ જીવ્યા તેઓને અનુસરો, તો તમને જરૂર ફાયદો થશે. પૈસાની તંગીથી ઊભી થતી અનેક મુશ્કેલીઓથી પણ બચી શકશો. (w11-E 06/01)