સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

કુટુંબ માટે મદદ | લગ્ન

લગ્નજીવનથી નિરાશ થઈ ગયા હોય ત્યારે

લગ્નજીવનથી નિરાશ થઈ ગયા હોય ત્યારે

મુશ્કેલી

લગ્ન કર્યાં પહેલાં તમને લાગે કે તમારા અને સાથી વચ્ચે ઘણી સમાનતા છે. પણ, ધારેલું ન થવાથી હવે તમે નિરાશ થઈ ગયા છો. તમને લાગે છે કે એકબીજા સાથે ખુશીથી રહેવાને બદલે જાણે કેદમાં બંધાઈ ગયા છો.

તમે લગ્નજીવન સુધારી શકો છો. પણ, પહેલાં એનો વિચાર કરીએ કે જેવું ધાર્યું હતું એવું શા માટે ન થયું?

એવું શા માટે બને છે?

વાસ્તવિકતા શરૂ થવી. રોજબરોજનાં કાર્યો ધીરે ધીરે લગ્નજીવનનું સુખ છીનવી લે છે. જેમ કે, ઘરનું કામકાજ, બાળકો ઉછેરવાં, સાસરીમાં બધા સાથેનો વહેવાર. વધુમાં, અચાનક આવતી મુસીબતો પણ લગ્નજીવનમાં તાણ લાવી શકે. જેમ કે, આર્થિક સમસ્યા અથવા ગંભીર બીમારી સહન કરતા કુટુંબીજનની સંભાળ રાખવી.

મતભેદો થાળે નહિ પડે એવું લાગી શકે. યુગલો લગ્ન પહેલાં મળતાં ત્યારે તેઓને મતભેદો મામૂલી લાગતા. પરંતુ, લગ્ન થયા પછી જોઈ શકે છે કે ઘણી બાબતોમાં તેઓ એકદમ અલગ છે. જેમ કે, વાતચીત કરવાની ઢબ, પૈસા બચાવવા અથવા મુશ્કેલીઓ થાળે પાડવાની રીત. જે મતભેદો પહેલાં મામૂલી હતા એ હવે અસહ્ય લાગે.

એકબીજાની લાગણીઓની પરવા ન કરવી. સમય જતાં, કડવા શબ્દો અથવા કાર્યો અને થાળે ન પડેલી પહેલાંની મુશ્કેલીઓનો એમાં ઉમેરો થવાથી, પતિ કે પત્ની એકબીજાને પોતાની લાગણીઓ જણાવતા અચકાય છે. સૌથી ખરાબ તો, તેઓ બીજી વ્યક્તિ સાથે લાગણીમય સંબંધ બાંધવાનું શરૂ કરે છે.

તમારી અપેક્ષાઓ વાજબી ન હતી. ઘણા લોકો લગ્ન કરે ત્યારે એવું વિચારતા હોય છે કે જીવનસાથી સપનાનો રાજકુમાર કે રાજકુમારી છે. જોકે, એ રોમાંચક લાગે તોપણ એનાથી મુશ્કેલી ઊભી થઈ શકે. મુશ્કેલીઓ વધતી જાય તેમ, એ “સોનેરી સપનું” તૂટતું લાગી શકે. અને બંને લગ્નસાથીને લાગે કે તેઓએ ભૂલ કરી છે.

તમે શું કરી શકો?

લગ્નસાથીના સારા ગુણો પર ધ્યાન આપો. આમ કરો: લગ્નસાથીના ત્રણ સારા ગુણો લખી લો. એને સાથે રાખો, કદાચ લગ્નના ફોટા પાછળ અથવા મોબાઇલ ફોનમાં. નિયમિત રીતે એના પર વિચાર કરો. એ તમને યાદ અપાવશે કે જીવનસાથી તરીકે શા માટે તેમને પસંદ કર્યા. લગ્નસાથીના સારા ગુણો પર વિચાર કરવાથી શાંતિ વધશે અને મતભેદો થાળે પાડવા મદદ મળશે.—બાઇબલ સિદ્ધાંત: રોમનો ૧૪:૧૯.

સાથે સમય વિતાવવા યોજના કરો. લગ્ન પહેલાં તમે સમય કાઢીને ઘણી બાબતો સાથે કરી હશે. સાથે સમય પસાર કરવા અમુક યોજનાઓ બનાવી હશે. એવું અત્યારે પણ કરી શકો. લગ્ન પહેલાં કરતા હતા તેમ, સાથે સમય વિતાવવા ખાસ ગોઠવણ કરો. આમ કરવાથી તમે બંને એકબીજાની વધુ નજીક આવી શકશો. અને જીવનમાં અચાનક આવતી મુશ્કેલીઓનો સારી રીતે સામનો કરી શકશો.—બાઇબલ સિદ્ધાંત: નીતિવચનો ૫:૧૮.

તમારી લાગણીઓ જણાવો. શું તમે જીવનસાથીના એ શબ્દો કે કાર્યોની અવગણના કરી શકો, જેનાથી તમને દુઃખ થયું હોય? ના કરી શકો તોપણ વાતચીત કરવાનું બંધ ન કરો. બની શકે એટલું જલદી એના વિશે જીવનસાથીને વાત કરો, શક્ય હોય તો એ જ દિવસે.—બાઇબલ સિદ્ધાંત: એફેસી ૪:૨૬.

શું તમે જીવનસાથીના એ શબ્દો કે કાર્યોની અવગણના કરી શકો, જેનાથી તમને દુઃખ થયું હોય?

તમારી લાગણીઓ અને જીવનસાથીના ઇરાદા વચ્ચે ભેદ પારખો. બંનેમાંથી કોઈનો પણ ઇરાદો બીજાને દુઃખી કરવાનો હોતો નથી. જો તમારાથી સાથીના દિલને ઠેસ પહોંચી હોય, તો દિલથી માફી માંગો. પછી, અજાણતા એકબીજાને દુઃખી ન કરવા શું કરી શકો એની ચર્ચા કરો. બાઇબલની આ સલાહ પાળો: ‘એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, અને એકબીજાને માફ કરો.’—એફેસી ૪:૩૨.

વાજબી બનો. બાઇબલ જણાવે છે કે લગ્ન કરશે તેઓને “શારીરિક દુઃખ” થશે. (૧ કોરીંથી ૭:૨૮) દુઃખ આવી પડે ત્યારે તરત જ માની ન લો કે પરણીને ભૂલ કરી છે. એના બદલે, સાથે મળીને મતભેદો થાળે પાડવા પ્રયત્ન કરો, ‘એકબીજાનું સહન કરો, અને માફ કરો.’—કોલોસી ૩:૧૩. (g14-E 03)